VIDEO: આજે નર્મદા ડેમ છલકાય તેવી શક્યતા
ઓછા વરસાદથી પાણીની અછતનો સામનો કરી રહેલા ગુજરાત માટે સારા સમાચાર મળ્યાં છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ આજે છલકાવાની પૂરેપૂરી સંભાવના છે. ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર નિર્ધારિત છે, જેની સામે આજે ડેમની સપાટી 138.59 મીટરે પહોંચી ગઈ છે. ડેમ સંપૂર્ણપણે ભરાઈ જવાની નજીક છે..ડેમ ભરાયા બાદ તેના દરવાજા ખોલવામાં આવશે. આ ભવ્ય અવસરને વધાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે કેવડિયા ખાતે સરદાર સરોવર ડેમની મુલાકાતે જશે અને શાસ્ત્રોક્ત વિધિ સાથે નર્મદા નીરના વધામણા કરશે. ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર ડેમ અત્યાર સુધીમાં કુલ 6 વખત સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે. તારીખ 17 સપ્ટેમ્બર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ડેમને રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. અને આજે ફરી એકવાર ડેમ છલકાવા જઈ રહ્યો છે જેને લઈને સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે.

