VIDEO: સાગબારામાં જંગલની જમીન ખેડાણના વિવાદનો અંત, મંત્રી અને સાંસદે ધરણા પર બેઠેલા ખેડૂતોને કરાવ્યા પારણાં
સાગબારાના આદિવાસી ખેડૂતો પોતાની જ જમીન અને ખેડાણના અધિકારો માટે આકરા તાપ અને વિષમ પરિસ્થિતિઓ વચ્ચે સળંગ 23 દિવસ સુધી ધરણા પર બેસી રહ્યા, ત્યારે છેક 23 દિવસે રાજ્યનું વહીવટી તંત્ર અને સરકાર જાગ્યા છે. ભાજપના બે મંત્રીઓ અને સાંસદે સ્થળ પર પહોંચી આંદોલનકારીઓને પારણા કરાવી વિવાદનો ઉકેલ લાવવાનો દાવો તો કર્યો છે, પરંતુ 23 દિવસ સુધી ચાલેલા આ ઘર્ષણે ગુજરાતના રાજકારણમાં અનેક તીખા સવાલો ઊભા કરી દીધા છે.
23 દિવસ સુધી સરકાર કેમ મૌન રહી?
જંગલ જમીનના અધિકારો માટે ખેડૂતો 23-23 દિવસ સુધી રસ્તા પર બેસી રહ્યા છતાં આટલા લાંબા સમય સુધી સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિરાકરણ લાવવામાં ન આવ્યું. ચોંકાવનારી વાત તો એ છે કે આંદોલન દરમિયાન ભાજપના સ્થાનિક આદિવાસી નેતાઓ વારંવાર ધરણા સ્થળે મુલાકાત લેવા પહોંચતા હતા. આમ છતાં, તેઓ ગાંધીનગર સુધી આદિવાસીઓની વેદના અને રજૂઆત પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા હતા. આ સ્થિતિને પગલે હવે લોકમુખે ચર્ચાાઈ રહ્યું છે કે, "શું ભાજપના પોતાના જ આદિવાસી નેતાઓનું સરકારમાં કશું જ ઉપજતું નથી?"
ગજગ્રાહ ઊભો કરવાનો કારસો હોવાની આશંકા?
સ્થાનિક સ્તરે અને રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આટલા દિવસો સુધી આંદોલનને ખેંચાવા દેવા પાછળ શું બે જિલ્લાના આદિવાસી સમાજ વચ્ચે અંદરોઅંદર ગજગ્રાહ અને વૈમનસ્ય ઊભું કરવાનો કોઈ આંતરિક કારસો હતો? તંત્ર ઈચ્છત તો પહેલા જ અઠવાડિયે આ પ્રશ્નનો ઉકેલ લાવી શકતું હતું, પરંતુ છેક 23 દિવસ સુધી આદિવાસીઓને લડત આપવાની ફરજ પાડવામાં આવી.
મહિલા આગેવાન હોસ્પિટલે પહોંચ્યા બાદ તંત્ર દોડતું થયું
23 દિવસથી સતત ધરણા પર બેસેલા ભાજપના જ મહિલા આગેવાન લીલાબહેન વસાવાની તબિયત ગંભીર રીતે લથડતાં તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની નોબત આવી હતી. જેમને ICUમાં સારવાર અપાઈ રહી છે. આ ઘટના બાદ આક્રોશ વધવાની બીકે આખરે વન મંત્રી પ્રવીણ માળી, પ્રભારી મંત્રી ઈશ્વર પટેલ અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા સાગબારા દોડી આવ્યા હતા. તેમણે ખોપી ગામના સરપંચ ઈશ્વર પટેલને પાણી પીવડાવી આંદોલનનો અંત આણ્યો હતો.
પ્રક્રિયામાં હજુ 3 થી 4 મહિનાનો સમય લાગશે
ધરણા સમેટાવાયા હોવા છતાં ખેડૂતોની મુશ્કેલીઓનો તાત્કાલિક ઉકેલ નથી આવ્યો. વન મંત્રીએ પોતે સ્વીકાર્યું છે કે સરકાર તરફથી તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં હજુ 3 થી 4 મહિનાનો સમય લાગશે, એટલે કે ખેડૂતોએ ખેડાણ માટે હજુ પણ રાહ જોવી પડશે.
બીજી તરફ, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આડકતરી રીતે આંદોલનના દબાણને સ્વીકારતાં જણાવ્યું હતું કે આ લડતના કારણે હવે રાજ્યના પેન્ડિંગ પડેલા 60થી 70 હજાર જમીન દાવાઓ સરકાર મંજૂર કરશે. આ બેઠકમાં કોંગ્રેસ પ્રવક્તા સંદીપસિંહ માંગરોળા અને BTP આગેવાન મહેશ વસાવા પણ હાજર રહ્યા હતા.

