VIDEO: મોરબી કોંગ્રેસ શહેર પ્રમુખે કહ્યું જાહેરમાં કોઈને લાફો મારવો એ લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન
મોરબી શહેરમાં આમ આદમી પાર્ટીની જનસભા દરમિયાન એક યુવકને જાહેરમાં લાફો મારવાની ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. આ ઘટના સામે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ સિહ જાડેજાએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે.
લાફો મારવો એ લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ સિહ જાડેજાએ આ ઘટનાને "નિંદનીય" ગણાવી અને સખત શબ્દોમાં તેની નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે, વાણી સ્વતંત્રતા એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. જાહેરમાં કોઈને લાફો મારવો એ લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. આ ઘટના સંપૂર્ણપણે ખોટી છે, અને હું તેની સખત શબ્દોમાં નિંદા કરું છું.
આપ કાર્યકર્તાએ સ્થાનિકને માર્યો હતો લાફો
મોરબીના વાવડી રોડ પર આવેલા રાજનગરમાં યોજાયેલી સભામાં ઈસુદાન ગઢવી ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન એક યુવક દિલ્હીમાં AAP સરકાર વિશે પૂછવા માટે સ્ટેજ પાસે પહોંચ્યો હતો. તેણે માઇક હાથમાં લીધું અને દિલ્હીમાં AAPનું શાસન અને યમુના નદી વિશે સવાલ કર્યો. જોકે, આ દરમિયાન એક AAP કાર્યકર્તાએ માઇક છીનવી લીધું અને જાહેરમાં તેને લાફો ઝીંકી દીધો. ત્યારબાદ ત્યાં ભારે હોબાળો થયો હતો. જોકે, થોડીવાર બાદ આખો મામલો થાળે પાડવામાં આવ્યો હતો. અને બાદમાં ઈસુદાન ગઢવીએ યુવકના સવાલનો જવાબ પણ આપ્યો હતો.

