VIDEO: લક્ષ્મીનગર ગામે હાઈટેન્શન લાઈનને કારણે ખેતરની ફેન્સિંગમાં કરંટ આવતા ખેડૂતોમાં ભારે ગભરાટ અને રોષ.
લક્ષ્મીનગર ગામે ખેતીની જમીન પરથી પસાર થતી ૨૨૦ કે.વી. હાઈટેન્શન વીજલાઈનના કારણે ખેડૂતો માટે ખેતી કરવી અત્યંત જોખમી બની ગઈ છે. સ્થાનિક ખેડૂતોના દાવા મુજબ, ખેતરની ફેન્સિંગ માં અવારનવાર વીજ કરંટ આવતો હોવાથી મોટો જાનમાલનું નુકસાન થવાની ગંભીર આશંકા સેવાઈ રહી છે. કોઈ મોટી દુર્ઘટના કે અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર અને વીજ કંપનીના અધિકારીઓ દ્વારા સ્થળ પર આવીને તપાસ કરવામાં આવે તેવી ખુલ્લી ચેલેન્જ ખેડૂતો દ્વારા આપવામાં આવી છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને જેતપર આંદોલન કમિટીના આગેવાનો પણ તાત્કાલિક લક્ષ્મીનગર ગામે દોડી આવ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ખેડૂતો અને આંદોલન કમિટી દ્વારા વીજ કંપની સામે આક્રોશ વ્યક્ત કરીને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની અને વીજલાઈનથી થતા જોખમને નિવારવા માટે નક્કર પગલાં ભરવાની પ્રબળ માંગ કરવામાં આવી છે.

