VIDEO: કડીના લક્ષ્મીપુરામાં ગૌચરમાં જમીનમાં છોડાયું ઝેરી કેમિકલયુક્ત પાણી, સ્થાનિકો અને પશુઓના આરોગ્યને જોખમ
મહેસાણા જિલ્લાના કડીના લક્ષ્મીપુરામાં પર્યાવરણને નુકસાન પહોંચાડતા કેમિકલ માફિયાઓનો આતંક સામે આવ્યો છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કડીના નંદાસણ પાસે આવેલા લક્ષ્મીપુરા ગામના ગૌચરમાં અજાણ્યા ઇસમો દ્વારા રાત્રિના અંધકારમાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે. આ કેમિકલયુક્ત પાણીના કારણે ગામના પશુઓ અને સ્થાનિક રહીશોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે.
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ લક્ષ્મીપુરા ગ્રામ પંચાયત તાત્કાલિક એક્શનમાં આવી છે અને સરપંચ તેમજ તલાટીએ નંદાસણ પોલીસ મથકે દોડી જઈને લેખિત ફરિયાદ નોંધાવી છે. ગ્રામજનોએ કેમિકલ ઠાલવતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેના આધારે નંદાસણ પોલીસે રાત્રિના સમયે પર્યાવરણ બગાડતા માફિયાઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

