તહેવારની ખુશી પલભરમાં શોકમાં બદલાઈ! કડી નજીક તળાવમાં ડૂબી જવાથી 3 નવયુવાનોના કરુણ મોત

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સૂરજ ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃદાયક ઘટના સામે આવી છે. જન્માષ્ટમીના પાવન પર્વે આયોજિત મેળો માણીને ગામના તળાવમાં ન્હાવા પડેલા ત્રણ યુવાન મિત્રોના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ અચાનક બનેલી દુર્ઘટનાના કારણે સૂરજ ગામ તેમજ મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે અને તહેવારની ખુશી પળભરમાં માતમમાં ફેરવાઈ ગઈ છે.
મિત્રોને મેળામાં આમંત્રિત કર્યા બાદ સર્જાયી હોનારત
પ્રાપ્ત વિગતો મુજબ, સૂરજ ગામમાં રહેતા અશ્વિન ઠાકોરે કડીની એક ખાનગી કંપનીમાં પોતાની સાથે કામ કરતા મિત્રોને જન્માષ્ટમીના મેળામાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. જેના પગલે કડીમાં રહેતા અશ્વિન ઠાકોરના બે મિત્રો નરેશ રાઠોડ (21) અને શિવકુમાર શર્મા (24) સૂરજ ગામે આવ્યા હતા. ત્રણેય મિત્રોએ ગામમાં ભરાયેલા મેળાની ઉત્સાહભેર મજા માણી હતી. મેળો પૂરો થયા બાદ સાંજના સમયે ત્રણેય મિત્રો સૂરજ ગામની સીમમાં આવેલા તળાવમાં ન્હાવા માટે ઉતર્યા હતા, પરંતુ પાણીની ઊંડાઈનો અંદાજો ન રહેવાના કારણે તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન અને પોલીસ તપાસ
મોડી રાતે આ બાબતની જાણ થતાં જ ગામના સરપંચ દ્વારા ત્વરિત કડી પોલીસ તેમજ મહેસાણા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો અને મહેસાણા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે મોડી રાત સુધી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને ત્રણેય યુવકોના શબ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. હાલ તો કડી પોલીસે ત્રણેય મૃતકોના શબને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

