Mehsana મનપાનો વિવાદાસ્પદ વહીવટ: એક તરફ નવી ઇમારત માટે જમીન શોધાય છે,બીજી તરફ જૂની ઇમારત પાછળ 3 કરોડનો ધુમાડો
મહેસાણા મહાનગરપાલિકા ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ વહીવટને કારણે ચર્ચાના ચકડોળે ચડી છે. પાલિકાના 40 વર્ષ જૂના અને જર્જરિત થઈ ગયેલા ભવનને રિનોવેટ કરવાના નામે અંદાજે 3 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, જે બિલ્ડિંગ પાછળ લાખો-કરોડો ખર્ચાઈ રહ્યા છે, તે જ તંત્ર હવે નવી અત્યાધુનિક બિલ્ડિંગ બનાવવા માટે જમીનની શોધમાં છે.
શું છે સમગ્ર વિવાદ?
મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ તંત્રના શિરે નવી જવાબદારીઓ અને ભવ્ય ઇમારતની અપેક્ષા છે. હાલનું બિલ્ડિંગ અંદાજે ચાર દાયકા જૂનું છે અને ઘણી જગ્યાએથી બિસ્માર હાલતમાં છે. આ સંજોગોમાં સત્તાધીશોએ આ જર્જરિત ઇમારતને નવો ઓપ આપવા માટે 3 કરોડ રૂપિયાથી વધુનું ટેન્ડર પાસ કરી કામગીરી શરૂ કરાવી દીધી છે.
સ્થાનિકો અને વિપક્ષ દ્વારા આ પ્રોજેક્ટ સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. લોકોનું કહેવું છે કે: જ્યારે બિલ્ડિંગ જર્જરિત છે અને ભવિષ્યમાં નવું સંકુલ બનવાનું જ છે, તો જૂની ઇમારત પાછળ કરોડોનો ખર્ચ શા માટે?

