VIDEO: ગુજરાત માટે ગૌરવ: દેશના ટોચના 5 શ્રેષ્ઠ સાંસદોમાં મહેસાણાના મયંકભાઈ નાયકની પસંદગી
ગુજરાત માટે રાષ્ટ્રીય સ્તરેથી એક ખૂબ જ આનંદ અને ગૌરવના સમાચાર સામે આવ્યા છે. ફેમ ઈન્ડિયા-એશિયા પોસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા 'શ્રેષ્ઠ સાંસદ ૨૦૨૬'ના પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સર્વેમાં મહેસાણાના રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકની દેશના ટોચના પાંચ સર્વશ્રેષ્ઠ સાંસદોમાં પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં સ્થાન મેળવવું એ સમગ્ર ગુજરાત માટે એક ગૌરવપૂર્ણ સિદ્ધિ સમાન છે.
આ વર્ષના રાષ્ટ્રીય સર્વેક્ષણની ખાસ વાત એ રહી કે તેમાં પ્રથમ વખત જ રાજ્યસભાના સભ્યોને પણ મૂલ્યાંકન પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા હતા. આ પ્રતિષ્ઠિત યાદી તૈયાર કરવા માટે સાંસદોની સંસદીય હાજરી, ગૃહની કાર્યવાહીમાં તેમની સક્રિય ભાગીદારી, વિવિધ મુદ્દાઓ પર થયેલી ચર્ચાઓમાં તેમનું યોગદાન, જનસંપર્ક, સંસદમાં પૂછાયેલા પ્રશ્નો અને તેમની નેતૃત્વ ક્ષમતા જેવા કડક અને વ્યાપક માપદંડોને આધાર બનાવવામાં આવ્યા હતા.
દેશના વરિષ્ઠ પત્રકારો અને પ્રતિષ્ઠિત શિક્ષણવિદોની એક પેનલ દ્વારા તમામ પાસાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ ઝીણવટભરી પ્રક્રિયા બાદ મયંકભાઈ નાયકની લોકસેવા અને જનહિતના કાર્યો પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાને રાષ્ટ્રીય સ્તરે આ મોટી માન્યતા મળી છે. મયંકભાઈ નાયકે સંસદના ઉચ્ચ ગૃહમાં હંમેશાં ગુજરાતના પડતર પ્રશ્નો અને હિતોને ખૂબ જ અસરકારક અને મજબૂત રીતે વાચા આપી છે, જેનું પરિણામ આજે આ રાષ્ટ્રીય સન્માન સ્વરૂપે દેશની સામે આવ્યું છે.

