Video: મહેસાણાને મોટી ભેટ, PM મોદીએ દૂધસાગર ડેરીના બે વિશાળ પ્લાન્ટનું કર્યું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન
PM નરેન્દ્ર મોદીએ આજે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે દેશના વિકાસ માટે કુલ ₹ 42000 કરોડના વિકાસકામો વર્ચ્યુઅલી ખુલ્લા મૂક્યા હતા, જેમાં મહેસાણાની જાણીતી દૂધસાગર ડેરીના બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંદાજે ₹ 500 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બંને પ્રોજેક્ટ્સ મહેસાણાની દૂધસાગર ડેરીની ક્ષમતામાં મોટો વધારો કરશે અને પશુપાલકોને ફાયદો પહોંચાડશે.
ઉદ્ઘાટન કરાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સ:
પાવડર પ્લાન્ટ:
વડાપ્રધાન મોદીએ દૂધસાગર ડેરીના નવા પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું.
આ પ્લાન્ટની દૈનિક ક્ષમતા 120 મેટ્રિક ટન જેટલી છે, જે દૂધની વધુ પડતી આવકને અસરકારક રીતે સંભાળી શકશે.
ટેટ્રા પેક પ્લાન્ટ:
આ ઉપરાંત, 3.50 લાખની ક્ષમતાવાળા અત્યાધુનિક ટેટ્રા પેક પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ ડેરી ઉત્પાદનોને લાંબા સમય સુધી સચવાઈ રહે તેવા પેકિંગમાં બજાર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.
દૂધસાગર ડેરીમાં બનેલા આ બે મોટા પ્રોજેક્ટ્સ સ્થાનિક પશુપાલકોની આવક વધારવા અને ડેરી ક્ષેત્રે ગુજરાતની અગ્રીમતા જાળવી રાખવા માટે નિર્ણાયક સાબિત થશે. વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી આ વિકાસકામો રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા હતા.
ડેરીને આર્થિક લાભ
આ ઉદ્ઘાટન પ્રસંગે દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈએ મહત્ત્વની માહિતી આપતાં જણાવ્યું હતું કે, નવીન પાવડર પ્લાન્ટ શરૂ થવાથી દૂધસાગર ડેરીને અંદાજે રૂ. 80 થી 100 કરોડનો નફો મળશે, જે વ્યાજ માફીના સ્વરૂપમાં રાજ્ય અને કેન્દ્રશાસિત સરકારનો હશે.
ચેરમેને વધુમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ નવા આધુનિક પ્લાન્ટ્સના કારણે આવનારા સમયમાં દૂધસાગર ડેરી વધુ સફળતાના શિખરો સર કરશે અને પશુપાલકોની સમૃદ્ધિમાં વધારો થશે. આ પ્રોજેક્ટ્સ ડેરી ક્ષેત્રે ગુજરાતને વધુ મજબૂત બનાવવામાં પણ મદદરૂપ થશે.

