"પાટીદાર સમાજ હંમેશા ભાજપ સાથે જ ઊભો છે", કડી SPG સ્નેહ સંમેલન ખાતે નીતિન પટેલના રાજકીય પ્રહાર

કડી ખાતે સરદાર પટેલ ગ્રુપ (SPG) દ્વારા આયોજિત સ્નેહ સંમેલન પ્રસંગે પાટીદાર સમાજે પોતાની તાકાત બતાવી હતી. આ પ્રસંગે હાજર રહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકીય નિવેદનો આપતા વિરોધી પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા.
'આપ આવે કે જાપ આવે, આપણે કોઈના ઝાંસામાં નથી આવવાના'
નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "આપ આવે કે જાપ આવે, આપણે કોઈના ઝાંસામાં નથી આવવાના." તેમણે ભારપૂર્વક કહ્યું કે, પાટીદાર સમાજ હંમેશા ભાજપ સાથે જ ઊભો રહ્યો છે અને સાચું તેમજ સેવાકીય કામ પાટીદાર સમાજે જ કર્યું છે.
નીતિન પટેલે સમાજને એકતાનો સંદેશ આપતાં કહ્યું કે, "આપણી એકતા હશે અને સંગઠન હશે તો જ આપણા કામો થવાના છે." તેમણે સમાજને સંગઠિત રહેવા અને શક્તિ પ્રદર્શિત કરવા પર ભાર મૂક્યો હતો.
આ સ્નેહ સંમેલન પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સાથે રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં પાટીદાર સમાજની હાજરીથી આ કાર્યક્રમ રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ બની રહ્યો હતો.

