'આ છોકરો મારો છે તેની શું સાબિતી?' કહી કળિયુગી પિતાએ ત્રણ માસના દીકરાને કૂવામાં ફેંકી દીધો, આરોપીની ધરપકડ

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઝાલદડા ગામે માનવતાને શર્મસાર કરતી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્ની વારંવાર પિયર જતી હોવાની અદાવતમાં એક નિર્દયી પિતાએ વહેમ રાખી પોતાના જ ત્રણ મહિનાના માસૂમ પુત્રને કૂવામાં ફેંકી હત્યા કરી નાખી છે. બાળકની માતાની ફરિયાદના આધારે સંતરામપુર પોલીસે હત્યારા પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહીસાગરના સંતરામપુરના ઝાલદડા ગામે રહેતા આશીષ ભુરીયા અને તેની ૨૦ વર્ષીય પત્ની હિનાબેન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો. માત્ર શંકાના આધારે આશિષભાઈ અવારનવાર ઘરમાં કંકાસ અને વહેમ રાખતા હતા. હિનાબેન પોતાના પિયરથી સાસરીમાં પરત આવ્યા ત્યારે દહેગામ ખાતે મજૂરી કરતો તેનો પતિ આશીષ ઘરે પહોંચ્યો હતો. ઘરે આવીને પત્ની હિનાબેન સાથે તું વારંવાર પિયર કેમ જાય છે, તેમ કહી ઉગ્ર બોલાચાલી અને ઝઘડો શરૂ કર્યો હતો.
ત્રણ માસના બાળકને કૂવામાં ફેંકી દીધો
આવેશમાં આવી ગયેલા પાપી પિતાએ આ છોકરો મારો છે તેની શું સાબિતી કહી ખાટલામાં સૂતેલા ત્રણ માસના નિર્દોષ બાળક લવ્યાંશને ઊંચકી ઘર નજીકના કૂવા તરફ દોટ મૂકી હતી. માતા અને સાસુ દોડીને પહોંચે તે પહેલાં જ પિતાએ પોતાના જ ત્રણ માસના વહાલસોયા દીકરાને ઊંડા કૂવામાં ફેંકી દીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પરિવારે બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. સંતરામપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી કૂવામાંથી પાણી ઉલેચી માસૂમ લવ્યાંશનો મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે મોકલી આપ્યો હતો. માતા હિનાબેનની ફરિયાદના આધારે સંતરામપુર પોલીસે આરોપી પિતા આશીષ ભુરીયા સામે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

