Mahisagar news: બાલાસિનોરના વાછેલાવ તળાવમાંથી સગીર અને સગીરાના મૃતદેહ મળતા મચ્યો હડકંપ

મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં બાલાસિનોરના જમિયતપુરા ખાતે આવેલા વાછેલાવ તળાવમાંથી સોમવારે એક સગીર અને સગીરાના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ કરાતા પોલીસે સ્થળ પર દોડી જઇને તરવૈયાઓની મદદથી બંનેની લાશ બહાર કાઢી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની મળતી વિગતો અનુસાર, બાલાસિનોરના જમિયપુરાના વાછેલાવ તળાવમાં બે મૃતદેહ પડયાં હોવાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક સગીરની ઉંમર ૧૬ વર્ષની છે અને સગીરાની ઉંમર ૧૩ વર્ષની છે.
બે દિવસ પહેલાં બંને પોતાના ઘરેથી નીકળી ગયા
બંને મેઘલિયા ગામના રહેવાસી છે. બે દિવસ પહેલાં બંને પોતાના ઘરેથી નીકળી ગયા હતા. કોઇ અગમ્ય કારણોસર બંને તળાવમાં પડી જતાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. બંને કયાં કારણોસર ઘરેથી ગાયબ હતા? તળાવમાં શા માટે અને કેવી રીતે પડી ગયા? તે અંગેની તપાસ પોલીસે હાથ ધરી છે. બાલાસિનોરમાં સગીર અને સગીરાએ તળાવમાં ઝંપલાવીને કરેલા આપઘાતી આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે.

