Kutch news: પાકિસ્તાની ગેંગસ્ટરને ફોલો કરનાર યુવક ઘાતક હથિયારો સાથે ઝડપાયો, નકલી નોટોના બંડલો પણ કરાયા જપ્ત

પાકિસ્તાની ગેંગસ્ટર શાહનવાઝ ભટ્ટીને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરતા અને ભટ્ટીના નામે ફેક આઈડી બનાવનાર ભુજના યુવકની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ખાટકી ફળિયામાં રહેતા આફતાબ ઊર્ફે અલ્તાફ રજાક ખાટકી (ઉ.વ. ૨૭)ના ઘરમાં SOGએ મધરાતે તપાસ કરતાં ગાંજો, દેશી બંદૂક, ત્રણ ખાલી કારતૂસ, નકલી નોટોના બંડલો મળ્યાં છે.
ગાદલાં નીચે છૂપાવેલી બંદૂક મળી આવી
છૂટક વેચાણ માટે ઘરમાં રાખેલો ૩૩ હજાર નો ૬૬૯ ગ્રામ ગાંજો જપ્ત કરાયો છે. પંદર દિવસ અગાઉ આફતાબે ગળપાદરના ભરત વાઘેલા પાસેથી છૂટક વેચાણ માટે ૧ કિલો ગાંજો ખરીદ્યો હતો. આ સાથે ગાદલાં નીચે છૂપાવેલી દેશી સિંગલ બોરની દેશી બંદૂક અને ૩ ખાલી કારતૂસ મળ્યાં હતા. તેણે શોખ ખાતર બે માસ અગાઉ શિકારપુર (ભચાઉ)ના સિકંદર ઈસ્માઈલ ત્રાયા પાસેથી બંદૂક લાવ્યો હોવાનું કબૂલ્યું હતું.
નકલી ચલણી નોટોના ૧૮૧ બંડલો મળ્યાં
તેના ઘરમાં રાખેલી પેટી અને બે ટ્રોલી બેગમાંથી ભારતીય મનોરંજન બેન્ક અને ચિલ્ડ્રન બેન્ક લખેલી ૫૦૦, ૨૦૦, ૫૦, ૨૦ના દરની નકલી ચલણી નોટોના ૧૮૧ બંડલો મળ્યાં હતા. પોલીસે NDPS એક્ટ, આર્મ્સ એક્ટ, આઈટી એક્ટ સહિત વિવિધ ધારાઓ તળે આફતાબ ખાટકી, ભરત વાઘેલા અને સિકંદર ત્રાયા વિરુધ્ધ ભુજ એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરી છે.

