VIDEO: ગાંધીધામના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ભીષણ આગ, ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા
કચ્છના ગાંધીધામ શહેરમાં હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આજે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાઉસિંગ બોર્ડ વિસ્તાર સામે આવેલા વાડામાં અચાનક આગ લાગતા થોડી જ વારમાં જ્વાળાઓ વિકરાળ બની હતી. આગની ઊંચી જ્વાળાઓ સાથે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં ગાંધીધામ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ તેમજ KASEZ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
આગ લાગવાનું કારણ અકબંધ
ફાયર ફાઈટરોએ આગને કાબૂમાં લેવા માટે પાણીનો સતત મારો ચલાવી આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગના કારણે આસપાસના વિસ્તારમાં લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવશે.

