VIDEO : ગુજરાતમાં કચ્છની અનોખી ઝુંબેશ, 8.49 લાખ ચોરસ મીટર સરકારી જમીન હવે બનશે ખેલ મેદાન
કચ્છ જિલ્લામાં ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. કોમનવેલ્થ ગેમ્સ 2030ના લક્ષ્ય સાથે કચ્છ હવે રમતગમત માટે સજ્જ બન્યું છે, જ્યાં સમગ્ર જિલ્લામાં રેકોર્ડબ્રેક 105 રમત-ગમતના મેદાનો નીમ કરવામાં આવ્યા છે. "મોબાઇલથી મેદાન તરફ"ના મંત્ર સાથે જિલ્લા પ્રશાસને માત્ર એક મહિનામાં 8.49 લાખ ચોરસ મીટર સરકારી જમીનને મેદાન તરીકે વિકસાવી છે. માંડવીમાં 37, મુન્દ્રામાં 14 અને ભુજમાં 8 સહિત કુલ 105 મેદાનોને સત્તાવાર દરજ્જો અપાયો છે. આ મેદાનો માત્ર ખેલાડીઓ માટે જ નહીં, પરંતુ અગ્નિવીર અને પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. ગુજરાતમાં પ્રથમવાર કચ્છમાંથી શરૂ થયેલી આ અનોખી ઝુંબેશ ગ્રામ્ય સ્તરે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરશે. આ પહેલથી સ્થાનિક પ્રતિભાઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકવાની નવી દિશા મળશે.

