VIDEO: ખેડાના વસોમાં મેઘાનું આકાશી તાંડવ: 24કલાકમાં 17 ઇંચથી વધુ અનરાધાર વરસાદ, બજાર-પંચાયત પાણીમાં ગરકાવ
ખેડા જિલ્લામાં મેઘરાજાએ ચો તરફ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને વસો ગામમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન આકાશી આફત વરસતાં ૧૭ ઇંચથી પણ વધુ ભારે વરસાદ ખાબક્યો છે. સાંબેલાધાર વરસાદના કારણે સમગ્ર વસો ગામ જળબંબાકાર થઈ ગયું છે અને જળબંબાકારની આ સ્થિતિને પગલે સ્થાનિક રહીશો તથા વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
મુખ્ય બજાર અને ગ્રામ પંચાયતમાં પાણી ફરી વળ્યા
વસો ગામમાં વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આકાશી આફતના કારણે ગામના મોટા ભાગના નીચાણવાળા અને મુખ્ય વિસ્તારો જળમગ્ન બન્યા છે. વસો ગ્રામ પંચાયત કચેરી, ગામનું મુખ્ય બજાર તેમજ રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે.
સેવા સહકારી મંડળીમાં લાખોનું નુકસાન
ભારે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે પાણી ગામમાં આવેલી સેવા સહકારી મંડળીની અંદર ઘૂસી ગયા હતા. મંડળીમાં પાણી ફરી વળતાં ત્યાં સંગ્રહિત કરવામાં આવેલો ખેડૂતો માટેનો ખાતર અને બિયારણનો જથ્થો પલળીને વેડફાઈ ગયો છે. આ ઉપરાંત મંડળીમાં રાખવામાં આવેલો કરિયાણાનો સામાન પણ પાણીમાં ગરકાવ થઈ જતાં મંડળીને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
તંત્ર એલર્ટ મોડ પર
વહેલી સવારથી પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હોવાથી પરિસ્થિતિ વધુ વણસે તેવી શક્યતા સેવાઈ રહી છે. સતત ભરાતા પાણીના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ પાણીના નિકાલ તથા રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

