VIDEO: Kheda / 'નળ છે પણ જળ નથી', ગામડાઓમાં પાણી માટે ત્રાહિમામ; તંત્ર સામે સ્થાનિકોમાં રોષ
રાજ્યમાં એકતરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે અને નેતાઓ મતો માટે છેવાડાના ગામડાઓ સુધી પહોંચવાના દાવા કરી રહ્યા છે. પરંતુ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના છેવાડાના ગામોની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. મુગટપુરા તાબે આવેલા તુલસીપુરા ગામમાં 'નલ સે જલ' યોજનાના બણગાં ફૂંકતા તંત્રની પોલ ખુલી ગઈ છે. અહીં છેલ્લા ત્રણ વર્ષથી પાઈપલાઈનો તો નખાઈ ગઈ છે, પરંતુ ગ્રામજનોના નસીબમાં હજુ ટીપું પાણી આવ્યું નથી.
સરકારની 'નલ સે જલ' યોજના હેઠળ તુલસીપુરામાં લાખોના ખર્ચે પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જોકે, આ યોજના માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી લાઈનો નખાઈ હોવા છતાં ગ્રામજનો અને આસપાસના શ્રમિકોને પીવાનું પાણી ન મળતા રોષ જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે જ્યારે તાપમાન આસમાને પહોંચ્યું છે, ત્યારે અહીંના રહીશો પાણીના એક-એક ટીપા માટે રઝળપાટ કરવા મજબૂર બન્યા છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી નજીક આવતા જ નેતાઓ સત્તાના મદમાં પ્રજાની વેદના ભૂલી ગયા છે. બીજી તરફ, જવાબદાર અધિકારીઓ માત્ર એસી ઓફિસમાં બેસી 'કાગળ પર વિકાસ' બતાવી પ્રજાના ટેક્સના નાણાંનો દુર્વ્યય કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. છેવાડાના ગામડાઓમાં પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાત પૂરી કરવામાં પણ તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. હવે જોવાનું એ રહેશે કે ઠાસરાનું વહીવટી તંત્ર આ છેવાડાના ગામની તરસ છિપાવવા માટે કોઈ નક્કર પગલાં લેશે કે પછી ચૂંટણીના વાયરામાં આ સમસ્યા ફરી એકવાર દબાઈ જશે?

