VIDEO: Kheda / નડિયાદમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન; શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટે ભવ્ય રેલી સાથે ઉમેદવારી નોંધાવી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે નડિયાદમાં કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર અને ઉમેદવારી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે આજે મોટી સંખ્યામાં સમર્થકો અને દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર 12 માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
હાર્દિક ભટ્ટે પોતાની ઉમેદવારી ઉમેદવારી નોંધાવા એક ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી શાંતિ નગર સોસાયટી સ્થિત તેમના નિવાસસ્થાનેથી શરૂ થઈ હતી. રેલીમાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સૂત્રોચ્ચારો અને કોંગ્રેસના ઝંડાઓ સાથે નીકળેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ રેલીમાં ખેડા જિલ્લાના પૂર્વ સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. દિનશા પટેલની હાજરીએ કાર્યકરોમાં નવો ઉત્સાહ ભર્યો હતો. તેમની સાથે કોંગ્રેસના અન્ય સ્થાનિક આગેવાનો અને હોદ્દેદારો પણ જોડાયા હતા.

