VIDEO: કેશોદ - માંગરોળ રોડ પર બેફામ ક્રોંક્રીટ મિક્સરે બાઇકને અડફેટે લીધી: ITIના વિદ્યાર્થી સહિત બે ગંભીર
કેશોદ-માંગરોળ રોડ પર વધુ એક વખત બેફામ ગતિએ દોડતા વાહને નિર્દોષ લોકોને અડફેટે લીધા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ITI કોલેજ તરફથી કેશોદ શહેર તરફ આવી રહેલી એક બાઈકને ક્રોંક્રીટ મિક્સર ટ્રકે જોરદાર ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ITIમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સહિત બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
અકસ્માત પહેલાં માંડ બચેલા ચાલકે ડ્રાઈવરને પાઠ ભણાવ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, ક્રોંક્રીટ મિક્સર ટ્રક અત્યંત બેફામ અને ગફલતભરી રીતે દોડી રહી હતી. આ અકસ્માત સર્જાયો તે પહેલાં અન્ય એક બાઈક ચાલક આ ટ્રકની અડફેટે આવતાં માંડ-માંડ બચી ગયો હતો. ડ્રાઈવરની જોખમી સ્પીડ અને બેદરકારીથી રોષે ભરાયેલા આ બાઈકચાલકે ટ્રક ચાલકને રોકીને ઘટનાસ્થળે જ તેની સાથે ફડાકાવાળી (હાથાપાઈ) કરી હતી. જોકે, ત્યારબાદ પણ બેકાબૂ વાહને અન્ય બાઈકને ઝપેટમાં લઈ લીધી હતી.
ખમીદાણા ગામના યુવકને ગંભીર ઈજા, હોસ્પિટલ ખસેડાયો
આ અકસ્માતમાં બાઈક પર સવાર ખમીદાણા ગામના વિવેક અરજણભાઈ બારીઆ નામના આશાસ્પદ યુવક સહિત બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ માનવતા દાખવી ગંભીર રીતે ઘવાયેલા બંને યુવકોને તાત્કાલિક ખાનગી કાર મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
પાલિકાની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ
કેશોદ-માંગરોળ રોડ પાલિકા હસ્તક આવે છે અને આ માર્ગ અત્યંત સાંકડો તેમજ ભારે ટ્રાફિક ધરાવતો હોવાથી અવારનવાર અકસ્માતોની હારમાળા સર્જાય છે. સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા આ રોડને પહોળો કરવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તંત્રની આળસ અને બેદરકારીના કારણે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

