VIDEO: જૂનાગઢ સ્વામીનારાયણ મંદિરનો મુખ્ય ગેઇટ ન બનાવી રૂ. 1.51 કરોડની ઠગાઈ: પેઢીના માલિક સામે ફરિયાદ
જૂનાગઢ સ્વામીનારાયણ મંદિરના મુખ્ય ગેઈટના નિર્માણ કાર્યમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં મંદિરના કોઠારી સ્વામી સાથે 1.51 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. ઇડરની 'માંગલ્ય ટેમ્પલ પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રક્શન' પેઢીના માલિક નંદીશ સોમપુરા વિરુદ્ધ વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો નોંધવામાં આવ્યો છે. મંદિરના કોઠારી સ્વામી દ્વારા અગાઉ અલગ-અલગ તારીખે ચેક તથા રોકડ મારફતે કુલ 1.51 કરોડ રૂપિયાની માતબર રકમ ચૂકવવામાં આવી હતી. આટલી મોટી રકમ મેળવ્યા બાદ પણ ગેઈટનું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ કોઠારી સ્વામીએ નાણાં પરત માંગતા આરોપી નંદીશ સોમપુરાએ નાણાં આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ ગંભીર મામલે અંતે મંદિરના કોઠારી સ્વામી દ્વારા જૂનાગઢના 'એ' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

