Junagadh: સક્કરબાગ ઝૂમાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા કરાઈ વિશેષ વ્યવસ્થાઓ
શિયાળાની કડકડતી ઠંડી શરૂ થતાં જ જૂનાગઢના જગ વિખ્યાત સક્કરબાગ ઝૂમાં વન્યજીવોના રક્ષણ માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જંગલમાં રહેતા પ્રાણીઓ તો ઠંડીથી બચવા કુદરતી ઉપાયો અપનાવે છે, પરંતુ પાંજરામાં રહેલા પ્રાણીઓને રક્ષણ આપવા માટે ઝૂમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સક્કરબાગ ઝૂમાં શિયાળાના 30-40 દિવસ દરમિયાન વધુ ઠંડીનો અનુભવ થાય છે. આ ઠંડીથી સંવેદનશીલ વન્યજીવોને બચાવવા કેટલીક વ્યવસ્થાઓ કરાઈ છે, જેમાં સરીસૃપ, બીમાર અને વૃદ્ધ પ્રાણીઓને ઠંડી ન લાગે તે માટે તેમના પાંજરામાં લેમ્પ તેમજ ઇન્ફ્રારેડ હીટર લગાવવામાં આવ્યા છે, જેથી તેમને સતત હૂંફ મળી રહે. ઉપરાંત પાંજરામાં જમીન પર સૂકું ઘાસ, નાળિયેરીના પાન અને કોથળા મૂકવામાં આવે છે, જે ગરમી જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. તૃણાહારી પ્રાણીઓના પાંજરાની આસપાસ ગ્રીન નેટ બાંધવામાં આવી છે, જેનાથી ઠંડા પવનોને અટકાવી શકાય અને પ્રાણીઓને રક્ષણ મળી શકે. ગીધ, ઘુવડ સહિતના મોટા પક્ષીઓના પાંજરામાં એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી તેઓ આરામથી તડકે બેસીને હૂંફ મેળવી શકે. તમામ પ્રાણીઓનું મેડિકલ સુપર વિઝન પણ થાય છે. આમ શિયાળાની ખાસ વ્યવસ્થા જોઈ સક્કરબાગ ઝૂમાં આવતા પ્રવાસીઓ પણ ખુશ થઈ જાય છે. કેમ કે જંગલના પ્રાણીઓ તો એનકેન પ્રકારે ઠંડીથી રક્ષણ મેળવી લેશે પરંતુ પાંજરામાં કેદ પ્રાણીઓને કેવી રીતે રક્ષણ આપવું તેનો ઉત્તમ નમૂનો સક્કરબાગ ઝૂમાં જોવા મળે છે

