Junagadh/ નરકંકાલ અને સોનું: કેશોદમાં ગુમ વૃદ્ધાના કેસમાં ભયાનક ખુલાસો? એક શંકાસ્પદની અટકાયત
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામેથી છ મહિના પહેલા રહસ્યમય રીતે ગુમ થયેલા વૃદ્ધા સુમરીબેન (ઉર્ફે મણીબેન) રામદેભાઈ બારૈયાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ખમીદાણા ગામની સીમમાં આવેલા એક અવાવરૂ કુવામાંથી માનવ હાડકાં, થેલી અને સોનાના દાગીના મળી આવતા આ ગુમશુદગીનો કેસ હવે હત્યાના ગંભીર વળાંક તરફ વળ્યો છે.
કુવામાંથી મળ્યા હાડકાં અને દાગીના
છ મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવાથી કુવામાંથી માત્ર માનવ હાડકાં (કંકાલ) જ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં કુવામાંથી એક થેલી અને સોનાના દાગીના પણ મળી આવ્યા છે, જે ગુમ થયેલા મણીબેનના હોવાની પ્રબળ આશંકા છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે મણીબેન ગુમ થયા હતા ત્યારે તેમની પાસે મોટી માત્રામાં સોનાના દાગીના અને રોકડ રકમ હોવાની શંકા પરિવારજનોએ પહેલેથી જ વ્યક્ત કરી હતી.
પોલીસ અને FSL ની ટીમ ઘટનાસ્થળે
રેન્જ પોલીસને મળેલી ચોક્કસ કળીને આધારે કુવા પર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગામલોકોની મદદથી કુવામાંથી પાણી અને કચરો ઉલેચવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) અને ડોક્ટરોની ટીમ પણ હાજર રહી હતી. મળી આવેલા અવશેષો મણીબેનના જ છે કે કેમ તેની ખાતરી કરવા માટે DNA ટેસ્ટ અને વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવશે.
લૂંટના ઈરાદે હત્યાની આશંકા?
પરિવારજનોના જણાવ્યા મુજબ, મણીબેન જ્યારે ગુમ થયા ત્યારે તેમની પાસે કિંમતી ઘરેણાં હતા. પોલીસને જે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા અને જે રીતે કુવામાંથી દાગીના સાથે કંકાલ મળ્યું છે, તેના પરથી એવી શંકા દ્રઢ બની રહી છે કે સોનાના દાગીના માટે વૃદ્ધાની હત્યા કરીને લાશને કુવામાં ફેંકી દેવામાં આવી હશે. પોલીસે આ મામલે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.

