Junagadh: ગિરનારની તળેટીમાં શિવરાત્રીના મેળાની ધૂમ, ઈન્દ્ર દેવે પૂજેલા શિવલિંગના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી
નવનાથ, ચોસઠ જોગણી, ચોર્યાસી સિદ્ધ અને બાવન પીરોના જ્યાં બેસણાં છે, તેવી પવિત્ર ગિરનારની તળેટીમાં આજથી વિશ્વપ્રસિદ્ધ 'મહાશિવરાત્રી મેળા'નો મંગલ પ્રારંભ થયો છે.
પ્રાચીન ભવનાથ મહાદેવ મંદિરનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ જોવા મળે છે. પૌરાણિક કથાઓ મુજબ, ભવનાથ મહાદેવ એ સ્વયંભૂ પ્રગટ થયેલા દેવ છે. માનવામાં આવે છે કે મહા વદ ચૌદસના દિવસે સ્વયં ઈન્દ્ર દેવે પણ આ શિવલિંગની પૂજા કરી હતી, ત્યારથી આ શિવલિંગ ભવેશ્વર તરીકે પ્રસ્થાપિત થયું છે. વારાણસી, કુરુક્ષેત્ર અને નર્મદા કિનારે દર્શન કે સ્નાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તેટલું જ ફળ માત્ર ભવનાથ મહાદેવના દર્શનથી પ્રાપ્ત થાય છે. ખાસ કરીને મહાશિવરાત્રીના દિવસે જે ભક્ત ભવનાથના દર્શન કરે છે, તેના સાત જન્મોના પાપ ધોવાઈ જાય છે તેવી ગહન શ્રદ્ધા લોકમાનસમાં વસેલી છે. આવા ભવનાથ મહાદેવનો શિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે ભાવિક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. અનેક મહિલા મંડળો ભવનાથની આરાધનામાં લીન બન્યા છે.
ત્યારે આ વખતે મહાશિવરાત્રીના મેળાને અલગ રીતે ઉજવવા તંત્ર દાવો કરી રહ્યું છે. દર વખત કરતા આ વખતે અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં મેળાના રોડ પર સંપૂર્ણપણે વાહન પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, મેળાના પ્રથમ દિવસે એટલે કે આજે નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં પ્રથમવાર ડમરું યાત્રાનું આયોજન કરાયું છે, ભવનાથ મંદિરે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભવનાથ તળેટીનો સમગ્ર રૂટ છે તેને સુશોભિત કરી ભક્તિમય વાતાવરણ ઊભું કરવા તંત્ર એ પ્રયાસ કર્યો છે. યાત્રાધામ વિકાસ બોર્ડના માર્ગદર્શન હેઠળ ચાર દિવસ સુધી દેશના નામાંકિત કલાકારો દ્વારા ભવનાથના મેળામાં જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મૈથલી ઠાકુર, ગીતા રબારી, રાજભા ગઢવી, સુરેશ વાડેકર સહિતના અનેક કલાકારો ભવનાથના મેળામાં પોતાની કલા પીરસશે.

