VIDEO: મેંદરડાની આશ્રમશાળામાં કથિત ‘ભૂતિયા વિદ્યાર્થીઓ’નું કૌભાંડ
જે બાળકે આ પૃથ્વી પર હજુ જન્મ જ નથી લીધો... જેનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ જ નથી... તે બાળક શાળાના ચોપડે રોજેરોજ હાજરી પૂરાવીને ભણી રહ્યું છે! સાંભળવામાં તમને કદાચ કોઈ કાલ્પનિક વાર્તા લાગશે, પરંતુ આ કડવું સત્ય છે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાનું! આ કથિત કૌભાંડને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ખુલ્લું પાડ્યું છે. મેંદરડાના સાસણ ક્લસ્ટર હેઠળ આવેલી શ્રી ભગવતી આદિજાતિ આશ્રમશાળામાં સરકારી નાણાંની ખુલ્લેઆમ લૂંટ ચલાવતું એક અત્યંત શરમજનક અને ચોંકાવનારૂં કથીત મહાકૌભાંડ સામે આવ્યું છે. ગરીબ અને આદિવાસી બાળકોના શિક્ષણ અને વિકાસ માટે સરકાર જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, તે રકમ અસ્તિત્વ વગરના "ભૂતિયા બાળકો" ઊભા કરીને સંચાલકો અને અધિકારીઓની મિલીભગતથી ઉસેડી લેવામાં આવી રહી છે. મેંદરડામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટનામાં સૌથી ગંભીર બાબત એ છે કે આટલું મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવા છતાં આદિજાતિ વિકાસ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર ઊંઘતું ઝડપાયું છે. જ્યારે આ સંસ્થાઓનું આધાર વેરિફિકેશન કરાવવામાં આવે છે ત્યારે પરિણામ ‘ઝીરો’ આવે છે, છતાં દર મહિને લાખો રૂપિયાની ગ્રાન્ટ કોઈ પણ અડચણ વગર પાસ થઈ જાય છે!

