Junagadh News: વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચાડનારા અને દારૂ પીને પાર્ટીઓ કરનારાઓની ખેર નહીં!
31 ડિસેમ્બરની ઉજવણીમાં ગીર પંથકમાં ખાસ વોચ ગોઠવવામાં આવી છે. સાસણ આસપાસમાં મોટી સંખ્યામાં ઉંમટી પડેલા પ્રવાસીઓ વન્ય પ્રાણીઓને ખલેલ ન પહોંચાડે તથા દારૂ પી પાર્ટીઓ ન કરે તેના માટે પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે.
31 ચેકપોસ્ટ તૈનાત કરાઈ
જૂનાગઢ જિલ્લામાં 31 ડિસેમ્બરને લઈ 31 ચેકપોસ્ટ તૈનાત કરવામાં આવી છે. 15 વાહનના ચેકિંગ પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક પોલીસ સ્ટેશન વાઈઝ મોબાઈલ પેટ્રોલિંગની ખાસ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા ફાર્મ હાઉસ તથા અન્ય જગ્યાએ પાર્ટીઓ થવાની હોય ત્યાં વોચ રાખવામાં આવશે. આ ઉપરાંત એલસીબી, એસઓજીની પણ ખાસ ટીમ બનાવી તેને પેટ્રોલિંગ સોંપવામાં આવ્યું છે.
અહીં ખાસ વોચ રાખવામાં આવશે
પોલીસ પાસે બોડીવોર્ન કેમેરા સહિતની વ્યવસ્થા છે. જૂનાગઢ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં કાયદાનો ભંગ ન થાય તે માટે ચાર ડીવાયએસપી, 27 પીઆઇ-પીએસઆઇ, 420 પોલીસ અને હોમગાર્ડના જવાનો બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવ્યા છે. મેંદરડા પોલીસ સ્ટેશન હેઠળ આવતા સાસણગીરની આસપાસના ફાર્મ હાઉસમાં કોઈ ગેરકાયદેસર કૃત્ય ન થાય, મોટી પાર્ટીઓ કરી વન્ય પ્રાણીઓને ખલેલ ન પહોંચે, દારૂની કે અન્ય પાર્ટીઓ ન થાય તેના પર ખાસ વોચ રાખવા માટે એલસીબી ગીરની બોર્ડર પરના ફાર્મ હાઉસ પર વોચ રાખશે.
અગ્રણી હરેશ ઠુમ્મરની લોકોને અપીલ
આ ઉપરાંત, મેંદરડા પોલીસ સ્ટેશનમાં ખાસ વધારાનો બંદોબસ્ત મોકલી ફાર્મ હાઉસ પર ચાંપતી નજર રાખવામાં આવશે. 31 ડિસેમ્બરને લઈ સાસણમાં પ્રવાસીઓનો ભારે ધસારો હોવાથી જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તથા સાસણગીર પંથકના અગ્રણી હરેશ ઠુમ્મરે પણ લોકોને અપીલ કરી છે કે વન્ય પ્રાણીઓને ખલેલ ન પહોંચે તેની ખાસ તકેદારી રાખવી તથા પોલીસને પણ જાણ કરી છે કે ગેરકાયદેસર થતી પાર્ટીઓ પર કાર્યવાહી કરવામાં આવે.

