Junagadh મનપામાં 'ઘરની પેઢી' જેવો વહીવટ: પાણીના ક્લોરિનેશનમાં મોટું કૌભાંડ? ઓડિટમાં બેદરકારીઓ ખુલ્લી પડી
જૂનાગઢ મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ચાલી રહેલી ભયંકર બેદરકારીઓ અને શંકાસ્પદ આર્થિક વ્યવહારોનો સરકારી ઓડિટમાં ભાંડો ફૂટ્યો છે. શહેરીજનોને અપાતા પીવાના પાણીને શુદ્ધ કરવા માટેના 'લિક્વિડ ક્લોરીન ડાયકોસાઇડ'ના કામમાં નિયમોના ધજાગરા ઉડાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઓડિટ રિપોર્ટમાં એક-બે નહીં પણ કુલ 12 જેટલી ગંભીર ક્ષતિઓ નોંધી રૂા. 26.77 લાખથી વધુની રકમને વાંધા હેઠળ મૂકવામાં આવી છે.
ઓડિટમાં ખુલેલી 12 ગંભીર ક્ષતિઓ
સરકારી ઓડિટ એજન્સીના રિપોર્ટ મુજબ, વર્ષ 2018-19માં સિદ્ધિવિનાયક એજન્સીને 4.8% ઊંચા ભાવે ક્લોરિનેશનનું કામ અપાયું હતું. આ કામમાં નીચે મુજબની ગેરરીતિઓ જોવા મળી છે:
-
ટેન્ડર પ્રક્રિયાનો અભાવ: કોઈ પણ પ્રકારના ટેન્ડર પ્રસિદ્ધ કર્યા વિના કે જાહેર નિવિદા બહાર પાડ્યા વિના કામ આપી દેવાયું.
-
રેકોર્ડ ગાયબ: ફાઈલમાં તાંત્રિક મંજૂરીના હુકમની નકલ કે સ્થાયી સમિતિના ઠરાવનો કોઈ ઉલ્લેખ નથી.
-
કરારમાં ક્ષતિ: એજન્સી સાથેના કરારમાં મુદતનો ઉલ્લેખ નથી અને મુદત વધારો કયા આધારે અપાયો તેનો કોઈ ઓર્ડર નથી.
-
સ્ટોક રજીસ્ટર શૂન્ય: ખરીદેલા માલસામાનના સ્ટોક કે વપરાશનું કોઈ રજીસ્ટર નથી, જેથી માલ ખરેખર આવ્યો હતો કે કેમ તે મોટો સવાલ છે.
-
બિલિંગમાં લોચા: એજન્સીએ માલ ખરીદીના ઓરિજિનલ બિલને બદલે માત્ર ઝેરોક્ષ નકલો રજૂ કરી છે.
-
ડિપોઝિટનો ભંગ: નિયમ મુજબ લેવાની થતી 5% સિક્યુરિટી ડિપોઝિટ પણ લેવામાં આવી નથી.
વિપક્ષનો પ્રહાર: કમિશનર જવાબદારોને છાવરી રહ્યા છે?
આ મુદ્દે વિપક્ષી નેતા લલિત પણસારાએ આક્ષેપ કર્યો છે કે, આટલી ગંભીર બેદરકારીઓ હોવા છતાં મનપા કમિશનર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાને બદલે તેમને બચાવી રહ્યા છે. લોકલ ઓડિટ ફંડ દ્વારા વારંવાર ખુલાસો માંગવા છતાં હજુ સુધી મનપા દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી.
અધિકારીઓનો લૂલો બચાવ
બીજી તરફ, મનપાના પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર અલ્પેશ ચાવડા આ ગંભીર ઓડિટ પારાઓને 'પાયાવિહોણા આક્ષેપ' ગણાવી રહ્યા છે. જોકે, સરકારી ઓડિટ સંસ્થાએ જ્યારે લેખિતમાં આટલી ક્ષતિઓ કાઢી હોય ત્યારે અધિકારીનો આ બચાવ ગળે ઉતરે તેમ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે આ મામલે CMO (મુખ્યમંત્રી કાર્યાલય) માંથી પણ ખુલાસો માંગવામાં આવ્યો છે.
જૂનાગઢ મનપાનો વહીવટ સરકારી નિયમોને બદલે જાણે ખાનગી પેઢીની જેમ ચાલતો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શું આ કૌભાંડમાં સામેલ મોટા માથા સામે તપાસ થશે કે પછી કાગળ પર જ આ ઓડિટ પારા દબાઈ જશે?

