VIDEO: જૂનાગઢ / ઐતિહાસિક વાઘેશ્વરી તળાવ રાજકીય વિવાદનું કેન્દ્ર, પ્રજાના પૈસાનો વેડફાટ થતો હોવાના આક્ષેપ
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ગિરનાર દરવાજા પાસે બની રહેલું ઐતિહાસિક વાઘેશ્વરી તળાવ હાલ રાજકીય વિવાદનું કેન્દ્ર બન્યું છે. કેન્દ્ર સરકારની 'અમૃત યોજના' હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અંદાજે રૂપિયા ૧૮ કરોડના માતબર ખર્ચે આ તળાવનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે. જોકે, છેલ્લા ઘણા વર્ષોથી આ કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતી હોવાથી હજુ સુધી પૂર્ણ થઈ શકી નથી. બીજી તરફ, મનપાના વિરોધ પક્ષના નેતાએ સત્તાધારી પક્ષ પર પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. વિપક્ષનું કહેવું છે કે, આ તળાવનું કામ મૂળ પ્લાન, એસ્ટિમેટ અને ડિઝાઇન મુજબ થતું નથી. તેમજ તળાવની આસપાસના ગેરકાયદે દબાણો પણ દૂર કરવામાં આવ્યા નથી. વર્ષથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં કામ અધૂરું રહેતાં, હવે આ નજરાણું ક્યારે ખુલ્લું મૂકાશે તેના પર શહેરના લોકોની મીટ મંડાયેલી છે.

