Junagadh/ જૈન મુનિ સુનિલ સાગરજીને ભવનાથમાંથી તાત્કાલિક તડીપાર કરવા માંગ, દત્તાત્રેયના મહંત મહેશગીરીનો આક્રોશ

જૂનાગઢમાં ચાલી રહેલા ભવનાથ શિવરાત્રી મેળા દરમિયાન ઓઘડ ટુંક વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને વિવાદ તેજ બન્યો છે. દત્તાત્રેયના મહંત મહેશગીરીએ જૈન મુનિ સુનિલ સાગરજીના કૃત્ય અંગે આક્રોશ વ્યક્ત કરતાં તંત્ર સામે કડક શબ્દોમાં નિવેદન આપ્યું છે.
મહંત મહેશગીરીએ માંગ કરી છે કે જૈન મુનિ સુનિલ સાગરજીને ભવનાથ વિસ્તાર પરથી તાત્કાલિક તડીપાર કરવામાં આવે. તેમનું કહેવું છે કે ભવનાથની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થયો હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જો સનાતન પરંપરાના કોઈ સાધુ દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું હોત તો તરત જ કડક પગલાં લેવાયા હોત.
મહંતે વધુમાં આરોપ મૂક્યો કે જૈન મુનિ સામે પોલીસ દ્વારા ઢીલી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઓઘડ ટુંકના બનાવમાં તેમની સામે એફઆઈઆર નોંધવાની માંગ પણ કરી છે. તેમણે કહ્યું કે કાયદો તમામ માટે સમાન હોવો જોઈએ અને સનાતન તથા જૈન સાધુઓ માટે અલગ-અલગ નિયમો ન હોવા જોઈએ.
ધુણા માટે લાકડાની અછત
મહેશગીરીએ ચેતવણી આપતા કહ્યું કે જો સાધુ સમાજમાં અસંતોષ વધશે તો તંત્ર માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. સાથે જ તેમણે મેળામાં આવેલા સાધુઓને ધુણા માટે લાકડાની અછત હોવાની સમસ્યા પણ ઉઠાવી અને તંત્રને તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી.
મેળા દરમિયાન મહેશગીરીના નિવેદન બાદ તંત્રમાં દોડધામ મચી હોવાનું જાણવા મળે છે. ગિરનાર વિસ્તારમાં અવારનવાર જૈન અને સનાતન પરંપરાઓ વચ્ચે વિવાદો સામે આવતા રહેતા હોવાના કારણે હાલની પરિસ્થિતિ પર તંત્ર નજીકથી નજર રાખી રહ્યું છે.

