Jamnagar / આર્મી કેમ્પસમાં કરુણ ઘટના: પીટી પરેડ દરમિયાન અચાનક ઢળી પડેલા 47 વર્ષીય જવાનનું સારવાર દરમિયાન મોત

જામનગરના આર્મી એરિયામાં પીટી પરેડ દરમિયાન અચાનક બેભાન થઈને પડી ગયેલા 47 વર્ષીય આર્મી જવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં બનાવ અંગે સીટી-એ ડિવિઝન પોલીસમાં અકુદરતી મોતની નોંધ કરવામાં આવી છે.
પોલીસના અહેવાલ મુજબ, તા.23 સપ્ટેમ્બરના સવારે આશરે 7 વાગ્યાના અરસામાં આર્મી એરિયા, એમ.ટી. પાર્ક, ન્યુ જેલ રોડ ખાતે આ ઘટના બની હતી. મરણજનાર યશબીરસિંઘ નાથુસિંઘ યાદવ (ઉંમર 47), જે આર્મી એરિયા ખાતે 31 સિગ્નલ કંપનીમાં આર્મીમેન તરીકે ફરજ બજાવતા હતા, તેઓ પોતાની નિત્યક્રમ મુજબ પીટી પરેડ કરવા ગયા હતા.
પીટી પરેડ દરમિયાન તેઓ અચાનક બેભાન થઈને પડી જતાં પ્રથમ સારવાર માટે આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગે આર્મી એરિયામાં ફરજ બજાવતા વિજયકુમાર પરબતભાઇ કણેત દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા સીટી-એ ડિવિઝન પોલીસે બી.એન.એસ.એસ.ની કલમ 194 હેઠળ અકુદરતી મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

