કાલાવડના રહેણાંક મકાનમાં નકલી દૂધ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, શંકાસ્પદ સામગ્રીનો સ્થળ પર જ કરાયો નાશ

જામનગર જિલ્લામાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાલાવડમાં SOG (સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ)ની ટીમે દરોડા પાડી શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સ્થળ પરથી આશરે 1200 લીટર શંકાસ્પદ દૂધ, 75 કિલો વનસ્પતિ ઘી અને 75 કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો છે.
રહેણાંક મકાનમાં દરોડા
SOGની ટીમ કાલાવડ ટાઉન અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે કાલાવડમાં શીતળા માતાજીના મંદિર પાસે આવેલા કાનજીભાઈ ઉર્ફે કાનો દેપાળભાઈ માલાણીના રહેણાંક મકાનમાં દરોડા પાડવામાં આવ્યા. ત્યાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો પર્દાફાશ થયો છે.
ફૂડ સેફ્ટી વિભાગે નમૂના લીધા
દરોડા દરમિયાન આશરે 1200 લીટર શંકાસ્પદ દૂધ, 75 કિલો વનસ્પતિ ઘી તથા 75 કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવતા SOG દ્વારા ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી અધિકારીએ સ્થળ પર પહોંચી શંકાસ્પદ દૂધ અને અન્ય સામગ્રીના નમૂના લઈ તેને નિયમ મુજબ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
શંકાસ્પદ દૂધનો નાશ કરાયો
ત્યારબાદ ફૂડ સેફ્ટી અધિકારીની હાજરીમાં માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી તથા પાવડરના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ મામલે સંબંધિત ધંધાર્થી સામે ખાદ્ય સલામતી અને ધોરણોના કાયદા હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

