VIDEO: Jamnagar / સ્થાનિક સ્વરાજની ચૂંટણી જંગ આક્રમક બન્યો; ભાજપના મહિલા ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને જાહેરમાં ખખડાવ્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જામનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને વોર્ડ નંબર 10ના રાજપાર્ક વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામસામે આવી જતાં વાતાવરણ તંગ બની ગયું હતું. ભાજપના મહિલા ઉમેદવાર મંજુબેન બાંભણીયાએ કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર સામે અત્યંત આક્રમક વલણ અપનાવીને તેમને જાહેરમાં ખખડાવી નાખતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજપાર્ક વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બંને પક્ષના ઉમેદવારો એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ સમયે ભાજપના ઉમેદવાર મંજુબેન બાંભણીયાએ કોંગ્રેસના ઉમેદવારને કડક શબ્દોમાં સંભળાવી દીધું હતું. તેમણે પડકાર ફેંકતા કહ્યું હતું કે, “તમારે હજુ જે કોઈ પણ ફરિયાદ કરવી હોય તે કરી લેજો, મને એનાથી કોઈ ફેર પડતો નથી.” આ નિવેદનને કારણે સ્થળ પર હાજર કાર્યકરોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી હતી. શાબ્દિક ટપાટપીમાં મંજુબેન બાંભણીયાએ કોંગ્રેસના ઉમેદવારને ધમકાવતા ત્યાં સુધી કહી દીધું હતું કે, “અહીંયા હવે મત માંગવા આવવું નહીં, નહીંતર સારું નહીં થાય.
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વર્ષોથી રસાકસીનો જંગ ખેલાતો હોય છે. પરંતુ આ વખતે આ સીધા અને આક્રમક ઘર્ષણથી ચૂંટણીનો પારો સાતમા આસમાને પહોંચી ગયો છે. કોંગ્રેસ દ્વારા આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવે છે કે કેમ અને પોલીસ આ બાબતે શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.

