Gujarat: સાંબેલાધાર વરસદાથી રાજ્યના 49 ડેમમાં જળસ્તર 90%થી વધી જતાં હાઈએલર્ટ
ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે. અત્યાર સુધીના વરસાદના કારણે જળાશયની સ્થિતિમાં પણ સતત સુધારો થયો છે. હાલ રાજ્યના જળાશયોમાં જળસ્તર વધીને 62 ટકા થઈ ગયું છે.
ગુજરાતના જળાશયોની સ્થિતિ
ગુજરાતના 29 જળાશયો હાલ 100 ટકા ભરાઈ ગયા છે. જેમાં કચ્છના સૌથી વધુ 5, ભાવનગરના 4, સુરેન્દ્રનગરના 3 જળાશયનો સમાવેશ થાય છે. 62 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 38 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસ્તર છે. હજુ પણ 36 જળાશયો એવા છે જ્યાં જળસ્તર 25થી નીચું છે. હાલ ગુજરાતના 48 જળાશયમાં જળસ્તર 90 ટકાથી વધુ હોવાથી હાઈએલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. 21 જળાશયો એલર્ટ અને 21 જળાશયો વોર્નિંગ હેઠળ છે.
સરદાર સરોવર ડેમમાં 60.72 પાણી ભરાયું
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા નિગમ લિ.માં હાલનો સંગ્રહ કુલ ક્ષમતાના 60.72 ટકા છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં 57 ટકા, મધ્ય ગુજરાતમાં 66 ટકા, દક્ષિણ ગુજરાતમાં 61 ટકા, કચ્છમાં 56 ટકા, સૌરાષ્ટ્રમાં 66 ટકા જેટલું જળસ્તર છે.
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદથી મેશ્વો જળાશયમાં પાણીની આવક થતા એલર્ટ આપવામાં આવ્યું છે. મેશ્વો જળાશયમાં 79.97 ટકા મેશ્વો પાણીનો જથ્થો છે. ભિલોડા,મોડાસા,ધનસુરા તાલુકાના ગામોને સાવચેતીના ભાગ રૂપે એલર્ટ રહેવા સૂચના આપી છે. 3 તાલુકાના 27 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.
ઉકઈ ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થયો છે. આ ડેમમાં પાણીની આવક સતત યથાવત છે. પાણીની આવકથી ડેમની સપાટી રુલ લેવલથી માત્ર 6 ફૂટ દૂર છે. હાલ ઉકઈ ડેમની સપાટી 327.19 ફૂટ છે. ઉકઈ ડેમમાં ઉપરવાસમાંથી 40,137 ક્યુસેક પાણીની આવક થઈ છે. જુલાઈ માસનું ઉકઈ ડેમનું રુલ લેવલ 333 ફૂટ છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકઈ ડેમમાં પાણીની આવક થતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છે.

