Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : Once global trade hub, Veraval Port is now limited to fishing

Gir Somnath: ક્યારેક વિશ્વના દેશો સાથે વેપારથી ધમધમતું વેરાવળ બંદર આજે માત્ર મત્સ્યોદ્યોગ પૂરતું સીમિત

Timeછેલ્લું અપડેટ : 05 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Gir Somnath: ક્યારેક વિશ્વના દેશો સાથે વેપારથી ધમધમતું વેરાવળ બંદર આજે માત્ર મત્સ્યોદ્યોગ પૂરતું સીમિત
સોર્સ : GSTV

દર વર્ષે 5 એપ્રિલના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય વહાણવટા દિવસ (National Maritime Day) ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ભારતના સમુદ્રી ઈતિહાસ માટે સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણ કે 5 એપ્રિલ, 1919ના રોજ ભારતનું પ્રથમ સ્ટીમર એસ.એસ. લોયલ્ટી મુંબઈથી લંડન જવા રવાના થયું હતું. આ ઐતિહાસિક ઘટનાની યાદમાં 1964થી આ દિવસ ઉજવાય છે. પરંતુ, આ ખાસ દિવસે સૌરાષ્ટ્રના ઐતિહાસિક વેરાવળ બંદરની વાત કરીએ તો અહીં એક ગમગીની જોવા મળે છે.

App Store

ગ્લોબલ ટ્રેડનું હબ હતું વેરાવળ

એક જમાનો હતો જ્યારે વેરાવળ બંદર વિદેશી સ્ટીમરો અને જહાજોથી સતત ધમધમતું રહેતું હતું. 13મી સદીથી જ આ બંદર વેપાર માટે જાણીતું હતું. ખાસ કરીને 1950ના દાયકામાં અહીંથી ઈંગ્લેન્ડ, જર્મની, રશિયા, પોલેન્ડ અને યુગોસ્લાવિયા જેવા દેશોમાં પશુદાણ, ખોળ, સિંગદાણા, કપાસ અને તલ જેવી એગ્રી કોમોડિટીની લાખો ટન નિકાસ થતી હતી. સામે પક્ષે અરબસ્તાન, ચીન, રોમ અને બેબીલોન જેવા દેશોમાંથી માલની આયાત થતી હતી.

તારા અને હોકાયંત્રનો એ જમાનો

આજના આધુનિક જીપીએસ (GPS) સિસ્ટમ વગર પણ એ સમયના કુશળ ટંડેલો અને ખલાસીઓ મધદરિયે વહાણ હંકારતા હતા. જાડા કાપડના શઢવાળા વહાણો લઈને નીકળતા સાહસિકો આકાશમાં તારાની સ્થિતિ અને હોકાયંત્રના સહારે બંદર સુધી પહોંચતા હતા. વેરાવળ બંદર માટે તે ખરેખર સુવર્ણકાળ હતો.

2003 થી અટકેલા પૈડાં

વેરાવળ બંદરના ઈતિહાસમાં વર્ષ 2003 એક વળાંક સાબિત થયું. આ વર્ષે અહીં છેલ્લી વિદેશી સ્ટીમર આવી હતી. ત્યારબાદ છેલ્લા બે દાયકાથી અહીં કોઈ મોટું શીપ કે સ્ટીમર આવ્યું નથી. પરિણામે, જે બંદર ક્યારેક આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર હતું, તે આજે માત્ર મત્સ્યોદ્યોગ પૂરતું સીમિત રહી ગયું છે. આજે જ્યારે ભારત તેના સમુદ્રી વારસાની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે વેરાવળના જૂના વેપારીઓ અને ખલાસીઓ ફરી એકવાર તે જૂના દિવસો પરત ફરે અને બંદર આંતરરાષ્ટ્રીય વેપારથી ધમધમે તેવી આશા સેવી રહ્યા છે.