VIDEO: તાલાલા નજીક નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, પામ ઓઇલમાંથી બનાવવામાં આવતું હતું દૂધ
રાજ્યમાં નકલી દૂધનો કારોબાર ધમધમી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથમાં તાલાલા નજીક નેસડામાંથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ગીર સોમનાથના જંગલ વિસ્તારમાં આવેલા નેસડામાંથી ત્રણ હજાર લીટર જેટલું નકલી દૂધ કબજે કરવામાં આવ્યું છે. જ્યાં પામ ઓઇલમાંથી નકલી દૂધ બનાવવામાં આવતું હતું. હાલ તો આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બે દિવસ પહેલાં જૂનાગઢમાં નકલી દૂધ ભરેલું ટેન્કર ઝડપાયું હતું
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા જૂનાગઢમાં કેમિકલયુક્ત નકલી દૂધ ભરેલું ટેન્કર પકડવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ દૂધ ગીરનાર સોરઠ ડેરીમાં ઠાલવવામાં આવતું હોવાનો સનસનીખેજ આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ યુવરાજસિંહ જાડેજાને છેલ્લા કેટલાક દિવસોથી બાતમી મળી રહી હતી કે જૂનાગઢ જિલ્લામાં નકલી દૂધનો બેફામ કારોબાર ચાલી રહ્યો છે. આ બાતમીને આધારે વોચ ગોઠવતા જૂનાગઢના સરદાર ચોક નજીક લાયબ્રેરી પાસેથી દૂધનું એક ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું હતું. યુવરાજસિંહના મતે, વિસાવદરના લેરિયા ગામથી આ શંકાસ્પદ દૂધ જૂનાગઢ લાવવામાં આવી રહ્યું હતું.
યુવરાજસિંહ જણાવ્યું હતું કે, "લેરિયા જેવા નાના ગામમાં કોઈ મોટી ડેરી ન હોવા છતાં આટલા મોટા પ્રમાણમાં દૂધ ક્યાંથી આવે છે? આ દૂધ સંપૂર્ણપણે કેમિકલયુક્ત અને માનવ સ્વાસ્થ્ય માટે જોખમી હોવાની પ્રબળ શંકા છે." તેમણે વધુમાં ઉમેર્યું કે આ દૂધ જૂનાગઢની ગીરનાર સોરઠ ડેરીમાં પહોંચાડવામાં આવતું હતું.

