VIDEO: સ્વચ્છતામાં બેદરકારી દાખવનાર પાલિકાઓની હવે ગ્રાન્ટ કપાશે
સ્વચ્છતામાં બેદરકારી દાખવનાર પાલિકાઓની હવે ગ્રાન્ટ કપાશે, ફ્લાઈંગ સ્ક્વોડના રિયાલિટી ચેક બાદ રાજ્ય સરકારે કડક આદેશ કર્યો છે. રાજ્યના શહેરોમાં કચરાના ઢગલા, ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ અને જાહેર સ્થળોની ગંદકી હવે માત્ર સ્વચ્છતા પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને મળતી સરકારી ગ્રાન્ટ સાથે સીધી રીતે જોડાઈ ગઈ છે. સ્વચ્છ ભારત મિશન અર્બનની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા સરપ્રાઈઝ સ્પોટ ચેકિંગ દરમિયાન વિવિધ શહેરોમાં ગંદકી અને વ્યવસ્થાની ગંભીર ખામીઓ સામે આવ્યા બાદ નાણા વિભાગ દ્વારા રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને કડક અલ્ટીમેટમ પાઠવવામાં આવ્યું છે. નાણા વિભાગ દ્વારા રાજ્યની તમામ પાલિકાઓને પાઠવવામાં આવેલા પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, જો ફ્લાઈંગ સ્ક્વોડની તપાસમાં સ્વચ્છતા સંબંધિત કોઈ પણ ક્ષતિ કે બેદરકારી જણાશે, તો સરકાર તરફથી ફાળવવામાં આવતી ગ્રાન્ટ રોકી દેવામાં આવશે. એટલે કે, હવે જો સ્વચ્છતા કામગીરીમાં કોઈ ગેપ રહી જશે તો તેની સીધી ફટકાર પાલિકાઓના વિકાસ કામો માટે મળતા સરકારી ભંડોળ પર પડશે.

