VIDEO: ગુજરાત ન્યાયતંત્રમાં મોટા પાયે બદલાવ; 79 જજને બઢતી, 63 સિવિલ જજની બદલીના આદેશ
ગુજરાત હાઈકોર્ટ દ્વારા ન્યાયિક પ્રક્રિયાને વધુ ઝડપી અને સુદ્રઢ બનાવવાના હેતુથી રાજ્યના ન્યાયતંત્રમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. હાઈકોર્ટના વહીવટી વિભાગ દ્વારા તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા ન્યાયાધીશોની બઢતી (પ્રમોશન) અને બદલીના આદેશો આપવામાં આવ્યા છે. રાજ્યના કુલ 79 જજને પ્રમોશન આપીને તેમની ઉપલી કેડરમાં નિમણૂક કરવામાં આવી છે અને વહીવટી કારણોસર અને ન્યાયિક કામગીરીને વધુ પારદર્શક બનાવવા 63 સિવિલ જજની બદલી કરવામાં આવી છે.
નવા સ્થળે ચાર્જ સંભાળવા આદેશ
નવા આદેશ મુજબ, તમામ બદલીઓ અને બઢતી રાજ્યના વિવિધ જિલ્લાઓ અને તાલુકા મથકોની અદાલતોમાં તાત્કાલિક અસરથી લાગુ પડશે. કાયદાકીય વર્તુળોના જણાવ્યાનુસાર, હાઈકોર્ટ દ્વારા કરવામાં આવતી આ એક રૂટિન વહીવટી પ્રક્રિયાનો ભાગ છે. લાંબા સમયથી પડતર કેસોનો ઝડપી નિકાલ લાવવા અને અદાલતોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે આ નિર્ણય અત્યંત મહત્વનો સાબિત થશે.
બદલી અને બઢતી પામેલા તમામ ન્યાયિક અધિકારીઓને આગામી દિવસોમાં તેમના નવા પોસ્ટિંગના સ્થળે ચાર્જ સંભાળી લેવા માટે સત્તાવાર સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત, નાગરિકોને સમયસર ન્યાય મળે અને ન્યાયતંત્ર પરનો બોજો ઘટે તે દિશામાં આ પગલું સકારાત્મક પરિણામો આપશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ મોટા ફેરફારથી નીચલી અદાલતોની કામગીરી વધુ વેગવંતી બનશે તેવી અપેક્ષા છે.

