લઠ્ઠાકાંડ કેસમાં SMCની મોટી કાર્યવાહી; મિથેનોલ કેમિકલનું સપ્લાય કરતું મુખ્ય નેટવર્ક ઝડપાયું, અત્યાર સુધીમાં 31ની ધરપકડ

ભાવનગર લઠ્ઠાકાંડ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ વધુ એક મોટી કાર્યવાહી કરી છે. ઝેરી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા મિથેનોલ કેમિકલનું સપ્લાય કરતું મુખ્ય નેટવર્ક SMCની તપાસમાં ઝડપાયું છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 31 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
મુખ્ય સપ્લાયરની ધરપકડ
SMCની અલગ-અલગ ટીમોએ દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન મિથેનોલના મુખ્ય સપ્લાયર્સ સુધી પોલીસ પહોંચી છે. ખાસ કરીને દિલ્હીથી કેમિકલ સપ્લાય કરનાર પ્રમોદકુમાર બુડાકોટીની ધરપકડ કરવામાં આવી છે.
આ ઉપરાંત રોહિત પ્રધાન અને કેશવ જાટવ નામના બે મુખ્ય આરોપીઓને પણ દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રોહિત અને કેશવે ટ્રાન્સપોર્ટ મારફતે અમદાવાદમાં મિથેનોલ કેમિકલ મોકલ્યું હતું. આ કેમિકલ બાદમાં ઝેરી દારૂ બનાવવાના નેટવર્ક સુધી પહોંચ્યું હોવાની આશંકા છે.
ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા તજવીજ
દિલ્હીથી ઝડપાયેલા ત્રણેય આરોપીઓને ગુજરાત લાવવા માટે SMC દ્વારા ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમની પૂછપરછ દરમિયાન મિથેનોલના સપ્લાય, ટ્રાન્સપોર્ટ અને સમગ્ર નેટવર્ક અંગે વધુ મહત્વની વિગતો સામે આવે તેવી શક્યતા છે. બીજી તરફ, SMCની વિવિધ ટીમો દ્વારા આ કેસ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની શોધખોળ પણ તેજ કરવામાં આવી છે. તપાસ એજન્સી સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ કરી રહી છે.

