ખેતરોમાં વીજ લાઇન અને ટાવર નાંખવા સામે હવે જંત્રીના બદલે બજાર ભાવે મળશે વળતર; ગુજરાત સરકારનો મોટો નિર્ણય

રાજ્યમાં ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન અને પોલ (ટાવર) નાંખવા સામે ખેડૂતો દ્વારા લાંબા સમયથી ચાલી રહેલા દેખાવો અને ચીમકી વચ્ચે ગુજરાત સરકારે મોટો અને ખેડૂત હિતલક્ષી નિર્ણય લીધો છે. સરકારે જંત્રીના બદલે પ્રવર્તમાન બજાર ભાવ (માર્કેટ રેટ)ના આધારે વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે, જેનો વહીવટી સ્તરે અમલ કરવા માટે ઉર્જા વિભાગ દ્વારા પરિપત્ર (ઠરાવ) પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.
નવા ઠરાવ મુજબ વળતરની નવી જોગવાઈઓ
ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા સંકલિત અદ્યતન ઠરાવ (ક્રમાંક: ઈપીસીડી/ઈએલએ/ઈ-ફાઈલ/20/2023/1173/ક) અનુસાર અગાઉના તમામ નિયમો રદ કરીને ખેડૂતોને ઉદારતાપૂર્વક વળતર આપવાનું નક્કી કરાયું છે.
ખેતરમાં ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવાને કારણે રોકાતી જમીન (ટાવરના ચાર પાયા વચ્ચેનો ભાગ અને દરેક બાજુ 1 મીટરનું વધારાનું વિસ્તરણ) માટે માર્કેટ રેટ કમિટી (MRC) દ્વારા નક્કી કરાયેલી જમીનની બજાર કિંમતના 200% એટલે કે બે ગણું માતબર વળતર ચૂકવાશે.
રાઈટ ઓફ વે (RoW) કોરિડોર માટે વળતરનું નવું માળખું
જમીન પરથી પસાર થતી વીજ લાઇનની લંબાઈ અને પહોળાઈના કારણે નીચેની જમીનને થતા નુકશાન (રાઈટ ઓફ વે) માટે વિસ્તાર મુજબ નવી કેટેગરી જાહેર કરાઈ છે. જેમ કે, ગ્રામ્ય વિસ્તારો માટે બજાર કિંમતના 30%, નગરપાલિકા અને શહેરી આયોજન વિસ્તારો માટે 45% તેમજ મહાનગરપાલિકાઓ અને મેટ્રોપોલિટન વિસ્તારો માટે જમીનની બજાર કિંમતના 60% વળતર ચૂકવવામાં આવશે.
ખેડૂતોની લાંબા સમયની માંગનો અંત!
ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખેડૂતો પોતાના કિંમતી પાક અને જમીનને થતા નુકશાન સામે નજીવું વળતર મળતું હોવાથી આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા. જંત્રીના દર જૂના હોવાથી ખેડૂતો સતત બજાર ભાવ પ્રમાણે વળતરની માંગ કરી રહ્યા હતા. સરકારના આ નવા પરિપત્ર બાદ હવે ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર ભાવ મુજબનું વળતર મળી રહેશે, જેથી લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો સુખદ અંત આવ્યો છે.

