Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : If there are 50 employees then the cavalry is compulsory, new rules apply for industries in Gujarat

50 કર્મચારી હશે તો ઘોડિયાઘર ફરજિયાત અને 100 થી વધુ હોય તો.., ગુજરાતમાં ઉદ્યોગો માટે નવા નિયમો લાગુ

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2026
લાઇવ ટીવીGoogle News
50 કર્મચારી હશે તો ઘોડિયાઘર ફરજિયાત અને 100 થી વધુ હોય તો.., ગુજરાતમાં ઉદ્યોગો માટે નવા નિયમો લાગુ
સોર્સ : gstv

નવા ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ (OSH Code) હેઠળ ઉદ્યોગો માટે અનેક નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમો અંગે ઉદ્યોગોના પ્રતિનિધિઓને જાણકારી આપવા માટે લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થા દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં રાજ્ય સરકારના ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડાયરેક્ટર PM શાહે નવા નિયમોની માહિતી આપી હતી.

App Store

નવા નિયમ મુજબ, કોઈ ઉદ્યોગમાં 50થી વધુ કર્મચારીઓ કામ કરતા હશે તો ત્યાં ઘોડિયાઘર (Crèche)ની સુવિધા આપવી ફરજિયાત રહેશે. જ્યારે 100 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતા ઉદ્યોગોએ કેન્ટીન (Canteen)ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવી પડશે. આ જોગવાઈઓનો હેતુ કર્મચારીઓ માટે કામના સ્થળે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.

ઓવરટાઈમની મર્યાદા 144 કલાક કરાઈ

નવા નિયમોમાં ઓવરટાઈમ (Overtime)ને લઈને પણ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ત્રણ મહિનામાં ઓવરટાઈમની સમય મર્યાદા અગાઉ 75 કલાક હતી, જે વધારીને હવે 144 કલાક કરવામાં આવી છે. આ ઉપરાંત મહિલા કર્મચારીઓને પણ નાઈટ શિફ્ટ (Night Shift)માં કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

જોકે, મહિલા કર્મચારીની નાઈટ શિફ્ટ માટે તેની લેખિત સંમતિ લેવી જરૂરી રહેશે. સાથે જ ઉદ્યોગોએ મહિલા કર્મચારીઓની સુરક્ષા માટે નક્કી કરવામાં આવેલા તમામ ધારાધોરણોનું પાલન કરવું પડશે.

વર્ષમાં એક વખત મેડિકલ ચેકઅપ જરૂરી

નવા નિયમો હેઠળ કર્મચારીઓના સ્વાસ્થ્યને લઈને પણ જોગવાઈ કરવામાં આવી છે. ઉદ્યોગોએ વર્ષમાં ઓછામાં ઓછું એક વખત કર્મચારીઓનું મેડિકલ પરીક્ષણ (Medical Examination) કરાવવું પડશે. આ ઉપરાંત કામના સ્થળે સેફ્ટી અને હેલ્થના ધોરણો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ ઉદ્યોગોની રહેશે.

ઉદ્યોગોને નવા કાયદાના અમલ માટે થોડો સમય પણ આપવામાં આવ્યો છે. ઉદ્યોગોએ નિયમોનું પાલન કરવા માટે 30 દિવસની મુદત મળશે અને આ સમયગાળા દરમિયાન કાયદાનું પાલન કર્યું હોવાના પુરાવા રજૂ કરવાના રહેશે. જો 30 દિવસમાં પાલન નહીં કરવામાં આવે તો વધુ 30 દિવસની મુદત આપવામાં આવી શકે છે, પરંતુ વિલંબ બદલ નક્કી કરેલી રકમ ચૂકવવી પડશે.

ગુજરાતના 50 હજારથી વધુ ઉદ્યોગો પર અસર

નવા નિયમોનો વ્યાપ ગુજરાતમાં મોટો રહેશે. 20થી વધુ કર્મચારીઓ કામ કરતા હોય અને પાવરનો ઉપયોગ કરીને ઉત્પાદન થતું હોય તેવા ઉદ્યોગો ઉપરાંત, 40થી વધુ કર્મચારીઓ ધરાવતા અને પાવર વગર ઉત્પાદન કરતા એકમો પણ તેના દાયરામાં આવશે.

આ ઉપરાંત 10થી વધુ અને 20થી ઓછા કર્મચારીઓ કામ કરતા હોય પરંતુ જોખમી વસ્તુઓનું ઉત્પાદન થતું હોય તેવા ઉદ્યોગો પર પણ નવા નિયમો લાગુ પડશે. ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના જણાવ્યા અનુસાર, આ ત્રણેય કેટેગરીને ગણતરીમાં લેતા ગુજરાતમાં 50,000થી વધુ ઉદ્યોગો નવા કાયદાના દાયરામાં આવશે.

ઉદ્યોગોમાં સરપ્રાઈઝ ઈન્સ્પેક્શન થશે

નવા નિયમોનું પાલન થાય તે માટે સરકાર આગામી દિવસોમાં નવી વ્યવસ્થા અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે. તેના ભાગરૂપે ઉદ્યોગો ઓનલાઈન બાંહેધરી આપી શકશે કે તેમણે કાયદા હેઠળની તમામ જરૂરી જોગવાઈઓનું પાલન કર્યું છે.

બીજી તરફ, ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા ઉદ્યોગોમાં આકસ્મિક તપાસ (Surprise Inspection) પણ કરવામાં આવશે. આ તપાસ દરમિયાન ઉદ્યોગોએ OSH કોડ હેઠળની તમામ જરૂરી સુવિધાઓ અને સલામતીના નિયમોનું પાલન કર્યું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે.