અમરેલીના પાયલ ગોટી લેટરકાંડમાં માનવાધિકાર આયોગનો ચુકાદો, 7.5 લાખનું વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ

અમરેલીના પાયલ ગોટી લેટરકાંડ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે મહત્વનો ચુકાદો આપ્યો છે. આયોગે પાયલ ગોટીને રૂ. 7.5 લાખનું વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ગેરકાયદે ધરપકડ અને પરેડ સહિતના મુદ્દાઓને લઈને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગનો મહત્વપૂર્ણ આદેશ
આ સમગ્ર મામલે ગાંધીનગરમાં આયોજિત વિશિષ્ટ સુનાવણી દરમિયાન રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે આ મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. ફરિયાદમાં પાયલ ગોટી સાથે થયેલી કાર્યવાહી અને માનવાધિકારોના ઉલ્લંઘનના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
અમરેલીના પાયલ ગોટી લેટરકાંડને લઈને અગાઉથી જ ભારે વિવાદ સર્જાયો હતો. મામલો રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ સુધી પહોંચ્યા બાદ આયોગ દ્વારા સમગ્ર ઘટનાની રજૂઆતો અને સંબંધિત મુદ્દાઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હવે સુનાવણી બાદ આયોગે રાજ્ય સરકારને પાયલ ગોટીને રૂ. 7.5 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયને સમગ્ર મામલામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

