VIDEO: અમરેલીના શાખપુરમાં કપાસનો પાક સુકાયો! વરસાદ ખેંચાતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો!
અમરેલીના શાખપુરમાં કપાસનો પાક સુકાયો!
વરસાદ ખેંચાતા અમરેલીના ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો!
કપાસના છોડ નાના રહી જતા પાક નિષ્ફળ જવાની ભીતિ!
અમરેલી જિલ્લામાં ચાલુ ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયા બાદ છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ વિરામ લેતાં ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. શરૂઆતના વરસાદને પગલે ઉત્સાહભેર વાવેતર કરી ચૂકેલા ધરતીપુત્રો હવે વરસાદ ખેંચાતા ભારે ચિંતા અનુભવી રહ્યા છે. જિલ્લાભરમાં કપાસ, મગફળી સહિતના પાકોને હાલ પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ વરસાદ ન વરસતાં ખેતરો સુકાવા લાગ્યા છે. વિશેષ કરીને લાઠી પંથકમાં વરસાદની ખેંચના કારણે ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે. લાઠી તાલુકાના છેવાડાના ગામ એવા શાખપુરમાં સ્થિતિ વધુ ગંભીર જોવા મળી રહી છે. શાખપુર ગામમાં કપાસના પાકમાં પાણીના અભાવે ભારે નુકસાન પહોંચ્યું છે. યોગ્ય સમયે વરસાદ ન મળતા કપાસના છોડ નાના રહી ગયા છે અને સુકાવા લાગ્યા છે, જેના કારણે આ વર્ષે કપાસનો આખો પાક નિષ્ફળ જવાની પૂરતી શક્યતા સેવાઈ રહી છે.
સુકાતા ખેતરો, વધતું દેવું!
મોંઘા બિયારણ અને ખાતર માથે પડ્યા, અમરેલીના ખેડૂતોએ માંગી સરકારી સહાય!
વાવેતર પાછળ ખાતર, બિયારણ અને મજૂરીનો મોટો ખર્ચ કરી ચૂકેલા શાખપુરના ખેડૂતો માટે હવે પાક બચાવવો મુશ્કેલ બન્યો છે. જો આગામી દિવસોમાં પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવશે. મોંઘાદાટ બિયારણ વાવીને બેઠેલા ધરતીપુત્રો પર હવે આર્થિક દેવાનો બોજ વધવાની ભીતિ સર્જાઈ છે, જેને લઈને ગામના ખેડૂતો ભારે હતાશા અને નિરાશામાં ગરકાવ થઈ ગયા છે. શાખપુર ગામના મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોએ હવે સરકાર સમક્ષ મદદની ગુહાર લગાવી છે. કપાસનો પાક નિષ્ફળ જવાની આરે પહોંચતા ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવાની માંગ કરી છે, જેથી તેઓ આ કપરી પરિસ્થિતિમાંથી બહાર આવી શકે. હવે તંત્ર અને સરકાર દ્વારા ક્યારે સહાય જાહેર કરવામાં આવે છે તેના પર જ સૌની નજર ટકેલી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

