VIDEO: ખેડૂતો માટે ખુશખબર, 75 વર્ષ જૂના 'ટુકડા ધારા'માં સુધારો
ગુજરાત સરકારે રાજ્યના લાખો ખેડૂતો, જમીન ધારકો અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે અંદાજે 75 વર્ષ જૂના એટલે કે વર્ષ 1947ના ટુકડા ધારામાં મહત્ત્વપૂર્ણ સુધારા કર્યા છે. ખાસ વાત એ છે કે, આ સુધારાના ખરડાને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ તરફથી પણ આખરી મંજૂરી મળી ગઈ છે, જેથી હવે આ નવો કાયદો અમલી બનશે. સરકારના આ નિર્ણયથી જમીન સંબંધી વિવાદો, કોર્ટ કચેરીના ચક્કર અને નાણાં તેમજ સમયનો થતો વ્યયનો અંત આવશે. આ સુધારાની સૌથી મોટી અને ઐતિહાસિક રાહત એ છે કે, વર્ષ 1948થી લઈને અત્યાર સુધીના તમામ ટુકડા ધારાના ભંગના કિસ્સાઓને સરકાર કોઈપણ પ્રકારની દંડ કે પેનલ્ટી વસૂલ્યા વિના નિયમિત કરી દેશે. આ નિર્ણયથી ભૂતકાળમાં અજાણતા કે મજબૂરીમાં થયેલી ભૂલોના કારણે મુશ્કેલીમાં મુકાયેલા લાખો પરિવારોને કાયદાકીય કનડગતમાંથી કાયમી મુક્તિ મળશે. નવા સુધારા મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં હવે 10 ગુંઠાનો એકસમાન નિયમ લાગુ પડશે, જેથી જમીનના વ્યવહારો અત્યંત સરળ અને પારદર્શક બનશે.

