Gandhinagar News: મહાદેવ એપ ગેરકાયદેસર ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગમાં ફ્રેન્ચાઇઝી આપનારની ધરપકડ
ગેરકાયદેસર મહાદેવ એપ ઓનલાઇન ક્રિકેટ સટ્ટા કેસમાં ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ને મોટી સફળતા મળી છે. મહાદેવ એપ ગેરકાયદેસર ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગમાં એસએમસીએ મોટી કાર્યવાહી કરી છે. ગેરકાયદેસર ક્રિકેટ સટ્ટા બેટિંગમાં ફ્રેન્ચાઇઝી આપનાર જયસિંહ શંકરાજી ચૌહાણને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
જયસિંહ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર પ્રસિદ્ધ થયું હતુ
મહાદેવ એપના માલિક સૌરભ ઉર્ફે મહાદેવ ચંદ્રકર પાસેથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગની ફ્રેન્ચાઇઝી જયસિંહ આપતો હતો. જયસિંહ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર પ્રસિદ્ધ થયું હતું. આરોપી ફ્લાઇટ નંબર ઈકે 541 મારફતે અમદાવાદથી દુબઈ જવા નીકળ્યો હતો. ઈમિગ્રેશન વિભાગ દ્વારા તેને અટકાવવામાં આવ્યો હતો. પછી આરોપીને અટકાવીને સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવ્યો હતો.
અત્યાર સુધીમાં 38 આરોપીઓની ધરપકડ
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આરોપીની આજ રોજ બપોરે 3.30 કલાકે ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગેરકાયદેસર મહાદેવ બેટિંગ એપ સટ્ટામાં અત્યાર સુધી 38 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓ મહાદેવ એપ મારફતે ઓનલાઈન ગેરકાયદેસર ક્રિકેટ સટ્ટો રમતા હતા. પોલીસે જયસિંહ ચૌહાણની ધરપકડ કરી આ કેસની આગળની તપાસ હાથ ધરી છે.

