Gandhinagar news: 'વર્ક ફ્રોમ હોમ' મોડલ અંગે ખાનગી કંપનીઓ સાથે મિટિંગ કરીશું, PM મોદીની અપીલ બાદ મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે મધ્ય-પૂર્વ એશિયામાં સર્જાયેલી ઈંધણની કટોકટીની અસર ભારત પર પણ જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ઈંધણનો બિનજરૂરી વપરાશ ટાળવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અપીલ કરી છે, ત્યારે રાજ્યપાલ-મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ આ અપીલનો અમલ કરી રહ્યા છે, કુદરતી સંસાધનોની સંભવિત અછતને પહોંચી વળવા સરકારના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
તેમણે જણાવ્યું છે કે આ અંગે ખાનગી કંપનીઓ અને એસોસીએશનો સાથે મિટિંગ કરી વર્ક ફ્રોમ હોમ મોડલ પર વિચારણા કરીશું, જે બાદ સરકાર યોગ્ય નિર્ણય લેશે. કોર્પોરેટ સેક્ટરમાં વર્ક ફ્રોમ હોમને પ્રાધાન્ય આપવા પ્રયાસ કરાશે. આ સાથે CM-ડેપ્યુટી CM સહિતના સરકારના મંત્રીઓ અને હોદ્દેદારો જાહેર કાર્યક્રમોમાં વર્ચ્યુઅલ રીતે જોડાય તેવી પણ શક્યતાઓ જણાઈ રહી છે અને હેલીકોપ્ટર અને સરકારી વિમાનોનો પણ ઓછામાં ઓછો ઉપયોગ કરાય તેવા સરકારના પ્રયાસો છે.
રાજ્યપાલનો નિર્ધાર: સામાન્ય મુસાફરની જેમ કરશે પ્રવાસ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકભવનમાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક વિશેષ બેઠક યોજી પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. દેશમાં પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી રાજ્યપાલ કોઈ પણ સરકારી કાર્યક્રમમાં જવા માટે હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ નહીં કરે. તેઓ રાજ્યમાં અવરજવર કરવા માટે ટ્રેન અને એસટી (ST) બસનો ઉપયોગ કરશે. પોતાની 'ઝેડ પ્લસ' (Z+) સુરક્ષાના મોટા કાફલાને બદલે આવશ્યક પ્રવાસ વખતે ઓછામાં ઓછી કાર રાખવા તેમણે સૂચના આપી છે.
યુનિવર્સિટીઓ અને સરકારી તંત્ર માટે નિર્દેશ
રાજ્યપાલે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમગ્ર તંત્ર માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સાયકલ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રાથમિકતા આપવા નિર્દેશ અપાયા છે. સરકારી કામોમાં વાહનોનો બિનજરૂરી ઉપયોગ ટાળવા અને ઈંધણ બચાવવાના શક્ય તમામ પ્રયાસો કરવા રાજ્યપાલે આહવાન કર્યું છે.

