VIDEO: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી..નર્મદાનું પાણી પહોંચાડવાની માંગ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા ચરમસીમાએ પહોંચી છે. અડધું ચોમાસું વીતી જવા છતાં પૂરતો વરસાદ ન પડતા ખેતરોમાં વાવેલા પાકને બચાવવો મુશ્કેલ બન્યો છે. ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, ખાતર અને ટ્રેક્ટરનો ખર્ચ કરીને મગફળી, અડદ અને તલ જેવા પાકોનું જોખમી વાવેતર કર્યું છે. પરંતુ, વરસાદ ખેંચાતા અને જમીનમાં ભેજનું પ્રમાણ ઘટતા હવે આ ઉભો પાક સુકાઈ જવાની દહેશત ઊભી થઈ છે. એક વીઘા દીઠ હજારો રૂપિયાનો માતબર ખર્ચ કર્યા બાદ સર્જાયેલી આ દુર્દશાને કારણે ખેડૂતોનો સમગ્ર ખર્ચ માથે પડે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.બીજી તરફ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં વાવણી લાયક વરસાદ જ ન પડતા અનેક ખેડૂતો વાવણીથી સંપૂર્ણપણે વંચિત રહ્યા છે. ખેડૂતોએ મોંઘા ભાવે મગફળીનું બિયારણ ખરીદી રાખ્યું હતું, પરંતુ વરસાદના અભાવે તેનો ઉપયોગ ન થતાં અને બજારમાં પાછા વેચતા પૂરતા ભાવ ન મળવાથી મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લામાં સિંચાઈના પૂરતા સ્ત્રોતો ન હોવાથી તળાવો, ડેમ અને બોર ખાલી થતા મુશ્કેલીઓ વધી છે. આવી વિકટ પરિસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના લાચાર ખેડૂતો હવે મેઘરાજાની સાથેસાથે સરકાર સમક્ષ તાત્કાલિક નર્મદાનું પાણી પહોંચાડવાની પ્રબળ માંગ કરી રહ્યા છે.

