VIDEO: 6 વર્ષથી પાણી માટે વલખાં, મહિલાઓએ ખાલી બેડાં સાથે કર્યો વિરોધ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામમાં પાણી આપો પાણી આપો ના નારા લાગ્યા સરકારની મહત્વાકાંક્ષી ‘નલ સે જલ’ યોજના અહીં માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોય તેવા ગંભીર આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. ધરમપુર પંચાયત હેઠળ આવતા બેડિયાવાડી અને ખવાસવાડી વિસ્તારના આશરે 500 જેટલા પરિવારો છેલ્લા 6 વર્ષથી પાણીના એક-એક ટીપાં માટે વલખાં મારી રહ્યાં હોવાનો દાવો કરી રહ્યા છે.ચાલુ વર્ષે વરસાદની ભારે ખેંચ વચ્ચે પીવાના પાણીની ગંભીર તંગી સર્જાતા સ્થાનિક મહિલાઓ ખાલી બેડાં સાથે અને પુરૂષો મોટીસંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.
બીજી તરફ, આ સમગ્ર મામલે ધરમપુર ગ્રામ પંચાયતના તલાટી મંત્રીનો દાવો છે કે આંતરિક લાઈનો તો નખાઈ ગઈ છે, પરંતુ મુખ્ય લાઈન સાથેના જોડાણ વચ્ચે ભારતીય રેલવે અને ખાનગી જમીનનો પટ્ટો આવતો હોવાથી કામ અટક્યું છે. પંચાયતે હાલ રેલવેની મંજૂરી માટે સત્તત પ્રયાસો ચાલુ હોવાનો અને પાણીથી વંચિત વિસ્તારને તાત્કાલિક ધોરણે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવા માટે પત્રવ્યવહાર કર્યો હોવાનો દાવો કર્યો છે. પરંતુ સવાલ એ થાય છે કે, જો મંજૂરીનો જ પ્રશ્ન હતો તો 6 વર્ષના લાંબા સમયગાળામાં રેલવેની મંજૂરી કેમ ન મેળવી શકાઈ? જનતાના ટેક્સના પૈસા અને લોકફાળાના નાણાં ઉઘરાવ્યા બાદ પણ લોકોને તરસ્યા રાખવા તે કેટલા અંશે યોગ્ય છે?

