Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : No bridge, no vote; Kotamdar village's cry for election boycott

VIDEO: Dang / પુલ નહીં તો વોટ નહીં; કોટમદર ગામનો ચૂંટણી બહિષ્કારનો હુંકાર, વિકાસના દાવાઓ સામે ગ્રામજનો લાલઘૂમ!

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતના છેવાડાના અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં વિકાસના દાવાઓ વચ્ચે એક વિરોધાભાસી ચિત્ર સામે આવ્યું છે. આહવા તાલુકાના અંતરિયાળ ગામ કોટમદરના ગ્રામજનોએ વર્ષો જૂની રસ્તા અને પુલની સમસ્યાનો ઉકેલ ન આવતા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું રણશિંગુ ફૂંક્યું છે. કોટમદર ગામની મુખ્ય સમસ્યા જાખાના ગામથી જોડતા કોતર પર આવેલા 'ડુબાઉ નાળાં'ની છે. આ નાળું અત્યંત નીચું હોવાથી સામાન્ય વરસાદમાં પણ કોતરના પાણી ઉપર ફરી વળે છે. પરિણામે, ચોમાસા દરમિયાન વાહનવ્યવહાર તો ઠપ થઈ જ જાય છે, પરંતુ રાહદારીઓ અને દર્દીઓ માટે પણ જીવના જોખમે પસાર થવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. વર્ષોથી આ નાળા પર ઊંચો પુલ બનાવવાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે.

App Store

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા અંગે તેમણે ગ્રામ પંચાયતથી લઈને ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર સુધી અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. જોકે, દર વખતે માત્ર આશ્વાસનો જ મળ્યા છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, "ચૂંટણી સમયે નેતાઓ મોટા-મોટા વચનો આપી જાય છે, પણ જીત્યા પછી કોઈ ડોકાતું નથી. અમે વર્ષોથી આ હાડમારી ભોગવી રહ્યા છીએ, હવે વધુ નહીં."

એક તરફ સરકાર 'સૌનો સાથ, સૌનો વિકાસ' અને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાની વાતો કરે છે, ત્યારે કોટમદર ગામનો આ સામૂહિક વિરોધ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરી રહ્યો છે. ગામના યુવાનો અને વડીલોએ સ્પષ્ટ સૂરમાં જણાવ્યું છે કે, "જ્યાં સુધી ડુબાઉ નાળા પર ઊંચો પુલ મંજૂર નહીં થાય અને કામ શરૂ નહીં થાય, ત્યાં સુધી ગામનો એક પણ વ્યક્તિ મતદાન મથક સુધી નહીં જાય."  હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ વિસ્તારના લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવે છે કે પછી કોટમદર ગામના લોકો પોતાના નિર્ણય પર અડગ રહીને લોકશાહીના પર્વનો બહિષ્કાર કરે છે.