VIDEO: ડાંગના સાપુતારાના ઘાટમાં સેનાની ટ્રક પલટી, 9 જવાનો ઇજાગ્રસ્ત
ડાંગ જિલ્લાના સાપુતારાના ડુંગરાળ માર્ગો પર આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નાશિકથી જોધપુર તરફ જઈ રહેલો ભારતીય સેનાના કાફલાને અકસ્માત નડ્યો હતો. સાપુતારા-શામગહાન ઘાટના કપરા વળાંક પર સેનાની ટ્રક પલટી મારી જતાં તેમાં સવાર 13 જવાનો પૈકી 9 જવાનોને ઈજાઓ પહોંચી છે.
વળાંક પર ચાલકે કાબૂ ગુમાવ્યો
મળતી માહિતી મુજબ, ભારતીય સેનાનો કાફલો ટ્રક લઈને મહારાષ્ટ્રના નાશિકથી રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહ્યો હતો. ટ્રકમાં સેનાની તોપ લાદેલી હતી. સાપુતારા-શામગહાન ઘાટના કપરા વળાંક ઉતરતી વખતે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટ્રક રસ્તા પર જ પલટી ખાઈ ગઈ હતી.
અકસ્માતગ્રસ્ત વાહનમાં સેનાની તોપ અને અન્ય સંરક્ષણ સાધનો હોવાથી વહીવટી તંત્ર અને સેના દ્વારા સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે. ઘટનાસ્થળે અન્ય જવાનો અને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી સંરક્ષણ સામગ્રીની સુરક્ષા જળવાઈ રહે.

