દમણની ઘી ઉત્પાદક કંપની સામે FSSAIની મોટી કાર્યવાહી, ભેળસેળની આશંકાથી વેચાણ કરાવ્યું બંધ

દમણના રીંગણવાડા ખાતે આવેલી SDP ઇન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ઘીમાં ભેળસેળની મોટી આશંકા વર્તાઈ છે. સમગ્ર મામલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(FSSAI)એ SDP ઇન્ડસ્ટ્રીઝની 'શ્રદ્ધા', 'શ્રી સરસ', 'ગોકુલ' વગેરે બ્રાન્ડ્સ સહિતના ઘીના વેચાણ પર આગળના આદેશો સુધી તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે.
દમણની કંપનીના ઘીમાં ભેળસેળની મોટી આશંકા
સમગ્ર કેસ મામલે ફૂડ બિઝનેસ ઓપરેટર(FBO)એ અપીલ કરાયેલા નમૂનાઓને પુનઃવિશ્લેષણ માટે રેફરલ ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં ઓગસ્ટ 2026માં રેફરલ લેબોરેટરીના અહેવાલોમાં પરીક્ષણ કરાયેલા નમૂનાઓમાં ધોરણોનું પાલન ન થયું હોવાનું પુષ્ટિ થઈ હતી.
FSSAIએ SDP ઇન્ડસ્ટ્રીઝના તમામ ઘીના વેચાણ પર લગાવી રોક
અલગ-અલગ નમૂનાઓ, સમયગાળા અને વેરિઅન્ટ્સમાં વારંવાર અને સતત જોવા મળતી અપ્રમાણભૂતતાની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને નિયુક્ત અધિકારીએ જણાવ્યું કે, આ મુદ્દો વાજબી રીતે કોઈ ચોક્કસ બેચ અથવા પ્રોડક્ટ સુધી મર્યાદિત રાખી શકાય તેમ નથી. આ પ્રતિબંધ FBO દ્વારા તેના અધિકૃત પરિસરમાંથી ઉત્પાદિત, સંગ્રહિત અથવા વેચવામાં આવતા ઘીના તમામ વેરિઅન્ટ્સને આવરી લેતા હોવાથી દમણની કંપની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ અધિનિયમ, 2006ની કલમ 36(3)(b) હેઠળ, ફૂડ સેફ્ટી ઓથોરિટીએ નિર્દેશ આપ્યો છે કે પ્રતિબંધિત ઘીના ઉત્પાદનો તાત્કાલિક અસરથી અને આગળના આદેશો સુધી વેચી શકાશે નહીં અથવા બજારમાં મૂકી શકાશે નહીં.
અગાઉ પણ 19 મે 2026ના રોજ હાથ ધરવામાં આવેલા અમલીકરણ નિરીક્ષણ અને સેમ્પલિંગમાં ફૂડ બિઝનેસ ઓપરેટર(FBO) દ્વારા ઉત્પાદિત ઘીના અનેક નમૂનાઓ બિન-સહાયક/અપ્રમાણભૂત મળી આવ્યા હતા. જેમાં પ્રયોગશાળાના વિશ્લેષણમાં બીટા-સિટોસ્ટેરોલ મળી આવ્યું હતું, જે વનસ્પતિ સ્ટીરોલ છે અને ઘીમાં ગેરહાજર હોવું જરૂરી છે. આ ઉપરાંત, ફેટી-એસિડની રચનામાં પણ નિર્ધારિત ધોરણોનું પાલન ન થયું હોવાનું જણાયું હતું. જેનાથી ઘીમાં વિદેશી/વનસ્પતિ ચરબીની હાજરી હોવાના સંકેત આપે છે. જેનાથી ખાદ્ય સુરક્ષાને લઈને ગંભીર સમસ્યા સર્જાવાની શક્યતા રહે છે. આમ, FBO દ્વારા ઉત્પાદિત ઘીના ઉત્પાદનોમાં વારંવાર ધોરણોનું પાલન ન કરાયું હોવાનો ઇતિહાસ ધરાવે છે.
નોંધનીય છે કે, FBOએ અગાઉ પણ અપ્રમાણભૂત ઘી સંબંધિત ન્યાયિક કાર્યવાહીનો સામનો કર્યો હતો. 18 ઓગસ્ટ 2023ના રોજના એક ચુકાદાના આદેશમાં હલકી ગુણવત્તાવાળા ઘીના કેસમાં દંડ ફટકારવામાં આવ્યો હતો. અગાઉના પ્રતિકૂળ તારણો છતાં FSS એક્ટની કલમ 64 હેઠળ વધુ એક ગુના માટે કાર્યવાહી કરવામાં આવી હતી અને 14 ઓક્ટોબર 2025ના રોજ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

