Video/ ઇન્દોર-અમદાવાદ હાઈવે પર અકસ્માત; બસ પલટી ખાતા એક મુસાફરનું મોત, 17 ઈજાગ્રસ્ત
ઇન્દોર-અમદાવાદ હાઈવે પર દાહોદના જાલત નજીક એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશ પરિવહનની બસને ટ્રકે જોરદાર ટક્કર મારતા બસ પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે 17 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશ પરિવહનની બસ ઇન્દોર-અમદાવાદ હાઈવે પરથી પસાર થઈ રહી હતી. દાહોદના જાલત ગામ નજીક આવેલી અવંતિકા હોટલ પાસે જ્યારે બસ ટર્ન લઈ રહી હતી, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે બસને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ રસ્તા પર પલટી મારીને લાંબે સુધી ઘસડાઈ હતી.
બચાવ કામગીરી અને હોસ્પિટલ
અકસ્માતને પગલે હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત મદદ માટે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તમામ 17 ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. કમનસીબે, આ અકસ્માતમાં એક મુસાફરે જીવ ગુમાવ્યો છે, જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
પોલીસ કાફલો ઘટનાસ્થળે
અકસ્માતની ગંભીરતાને જોતા DySP સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

